ગભેણીના આધેડે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો

ગભેણીના આધેડે ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે ટ્રેન સામે પડતું મુકી જીવન ટુંકાવ્યુ હતું. આધેડના ત્રણેય ખીસ્સામાંથી ઘરનો મોબાઈલ નંબર લખેલી કાપલી મળી હતી. જેના આધારે તેમની ઓળખ થઈ હતી.
ગભેણી ટેકરા ફળીયા મધ્યે રહેતા હરિશભાઈ ચીમુભાઈ ખલાસી(49)ડાઈંગ હાઉસમાં નોકરી કરતા હતા. બપોરે 3 વાગ્યાના સમયગાળામાં ભેસ્તાન રેલવે સ્ટેશન નજીક ઈન્દોર હમસફર એક્સપ્રેસ ટ્રેનની સામે પડતું મુકી આપઘાત કરી લીધું હતું. ટ્રેનના ડ્રાઈવરે જાણ કરવામાં આવતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
મૃતક હરિશભાઈના ત્રણે ખીસ્સામાંથી કાગળની કાપલીઓ મળી જેમાં ઘરનો મોબાઈલ નંબર લખેલો હતો. આ નંબર પર પોલીસે પરિવારનો સંપર્ક સાધ્યા બાદ મૃતકની ઓળખ થતા પોલીસ દ્વારા પરિવારના સભ્યોની પુછપરછ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે હરિશભાઈએ ક્યાં કારણસર આ પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી.