રાજકોટમાં વીરપુર પાસે  ટ્રેન નીચે ઝંપલાવી પ્રેમી યુગલે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી

રાજકોટ જિલ્લામાં વિરપુર તથા કાગવડ વચ્ચે ટ્રેન નીચે ઝંપલાવી પ્રેમી યુગલે આપઘાત કરી લીધો હતો. કેશોદ પંથકની પરિણીત યુવતી અને ગોંડલ પંથકના યુવાન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા પછી પરિવારજનો એક થવા નહીં દે તેવા ડરથી બંને સજોડે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરાતા તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં.

આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવક-યુવતીની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવતી કેશોદના ખમીતાણ ગામની ગીતા જગદીશ રાઠોડ (ઉ.વ.26) અને યુવક ગોંડલના મસીતાડા ગામનો અજય ભીમા ભાસ્કર (ઉ.વ.22) હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બંનેના પરિવારજનોને જાણ કરાઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું ગીતા પરિણીત હોવાથી પરિવારજનો બંનેના પ્રેમ સંબંધને સ્વિકારશે નહીં તેવા ડરના કારણે બન્ને બે દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયા હતાં અને ટ્રેન હેઠળ ઝંપલાવી સજોડે બંનેએ આત્મહત્યા કરી લીધી હતી.