અંજારમાં પૂર્વે વિડીયો ઉતારવા બાબતે મનદુખ રાખી 6 લોકોએ યુવકની કાર સળગાવી ચેન-પોંચીની લૂંટ કરતા ફરિયાદ નોંધાઈ
અંજારમાં સાત મહિના પૂર્વે સમાજના ઉતકર્ષ માટે બનાવેલા વિડીયોનું મનદુ:ખ રાખી મતદાનના દિવસે જ છ લોકોએ યુવાનને ઇંટો બતાવી ડરાવ્યા પછી તેની કાર સળગાવી હાથમાં પહેરેલી રૂ.1 લાખની પોંચી અને ગળામાં પહેરેલી રૂ.30 હજારની ચેઇનની લૂંટ કરી પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરાવાઈ છે.
અંજારના મતિયાનગર ગરબી ચોકમાં રહેતા 43 વર્ષીય શેખર ઉર્ફે શનિ આતુભાઇ દુબડીયા શાળા નંબર 15 માં મતદાન કરવા માટે ગયા હતા. તેમણે ઓકટ્રોય ચોકી નજીક મહેશભાઇના દુધના કારખાના પાસે પોતાની કાર પાર્ક કરી હતી. મતદાન કર્યા પછી તેઓ પોતાની કાર પાસે આવ્યા ત્યારે એક્ટિવા પર આવેલા કમલેશ હીરજી પાતારિયા અને વિજય માતંગે આવીને સાત મહિના પૂર્વે તેમણે સમાજના ઉતકર્ષ અર્થે બનાવેલા વિડિયોનું મનદુ:ખ રાખી ઇંટ ઉપાડી મારવાનો ડર બતાવતાં તેઓ કાર લઇને ભાગ્યા પરંતુ સામે ઉભેલા નવિન હિરજી મહેશ્વરી અને હેમરાજ વેલજી મહેશ્વરીએ પણ ઇંટ ઉગામી ડરાવ્યો હતો.
તો ત્યારબાદ રમેશ થારુ અને ભાવેશ આતુ ધુવા પણ આવ્યા અને પથ્થરોના ઘા કરી નાક અને હાથ ઉપર ઇજા કારી હાથમાં પહેરેલી રૂ.1,00,000 ની કિંમતની સોનાની પોંચી અને ગળામાં પહેરેલી રૂ.30,000 ની કિંમતની સોનાની ચેન મળી કુલ રૂ.1.30 લાખની લૂંટ કરી ચાલ્યા ગયા પછી રાત્રે ફરી આવી તેમની કારમાં આગ લગાડી નુકશાન પહોંચાડ્યું હોવાની ફરીયાદ તેમણે અંજાર પોલીસ મથકે દાખલ કરાવી હતી. પીઆઇ એસ.ડી.સિસોદિયા દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.