એસ.એમ.સી. ટીમનો ગાંધીધામની ભાગોળે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો: એકની અટકાયત
copy image
સ્ટેટ મોનીટરીંગ સેલ(એસ.એમ.સી.)ની ટીમે ગાંધીધામની ભાગોળે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ પાડીને એક ઈસમને પકડી પાડ્યો હતો. મીઠીરોહર નજીક કંડલા તરફના માર્ગે આઈ.ઓ.સી. રેલવે ફાટક અને ઈન્દીરાનગર સ્મશાન નજીક આરોપી નીતાબેન રાજુભાઈ કોળી પોતાની ઓરડીઓમાં મજુરો રાખીને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની પૂર્વ બાતમીના આધારે આ સ્થળ પર એસ.એમ.સી.ની પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી રાજયસ્તરની પોલીસ ટુકડીએ દેશી દારૂ 108 લીટર કિ.રૂા.2160, ભુગર્ભ ટાંકામાંથી દેશી દારૂ બનાવવાનો કાચો આથો 14,500 લી.કિં.રૂા.29 હજાર, બળેલો આથો, બાફણીયા બેરલ, પાડલી નળીઓ, એલ્યુમીનીયમના તગારા, ઈલેકટ્રીક મોટર સહિત કુલ રૂા. 33,460નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન હાજર મળેલા આરોપી પપ્પુ સની ભગત ઓરાવલની પોલીસે અટકાયત કરી હતા. અન્ય મુખ્ય સુત્રધાર આરોપી નીતાબેન રાજુભાઈ કોળીને કાયદાકીય કારણોસર નોટીસ આપી મુકત કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપી હેમત નામેરીભાઈ સોલંકી, શીવમ સંજય ગૌરાંગ પોલીસને જોઈને નાસી જવામાં સફળ રહ્યા હતા. આ અંગે ગાંધીધામ એ-ડિવિઝન પી.આઈ. એ.બી. પટેલને વધુ તપાસ સોંપવામાં આવી છે.