ભચાઉમાં દિનદહાડે ચોરે બંધ મકાનમાંથી 95 હજારની ચોરી કરતાં ચકચાર મચી
ભચાઉમાં દિનદહાડે ચોરે વેપારીના બંધ ઘરને નિશાન બનાવી રોકડ રકમ અને દાગીના સહિતની મતાની ચોરી કરતા ભારે ચકચાર મચી. મળતી માહિતી અનુસાર શહેરના સીતારામપુરામાં સવારે 11.30થી 1.30 વાગ્યાના અરસામાં ચોરીની ઘટના બની હતી. ચોરે ઘરની પાછળની બારીની દિવાલ તોડી અંદર ઘુસ્યાં હતાં. સોનાનું મંગળસુત્ર, સોનાની ચેન, હાથમાં પહેરવાની પોચી, સોનાની બુટી પેન્ડલ, સોનાની ત્રણ નંગ વીટી, સોનાનું પેન્ડલ, ચાંદીની ઝાંઝરી, ચાંદીની ચેન સહિત 90 હજારની કીમતના સોના ચાંદીના દાગીના અને મંદિરમાં રાખેલા રૂ. 1500ની રોકડા અને કબાટમાં રાખેલા રોકડા રૂ. 1000 સહિત 2500 રોકડાની ચોરી કરી લઈ ગયા હતા. ઘરમાં જ કટલેરીનો વ્યવસાય કરતા ફરીયાદી જયશ્રીબેન વિનોદભાઈ ઠક્કર ગાંધીધામ ગયા હતા અને તેમના પતિ, પુત્ર દુકાને અને દીકરી નોકરીએ ગઈ હતી. બપોરે 1.30 વાગ્યે તેમની દિકરી ઘરે આવતા ચોરીનો બનાવ અંગે જાણ થઈ હતી. ધોળે દિવસે ચોરીની ઘટનાથી પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.