અંજાર તાલુકાનાં વરસાણા નજીક માસૂમ બાળકી ઉપર બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો.

અંજાર તાલુકાનાં વરસાણા પાસે આવેલી એક ખાનગી કંપનીની મજૂર વસાહતમાં 2 વર્ષીય માસૂમ બાળકી ઉપર સામુહિક દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાથી ભારે ચકચાર પ્રસરી હતી. આવા જધન્ય કાર્યને અંજામ આપનારા બે આરોપીની પોલીસે અટક કરી હતી. આ ચકચારી બનાવ બાબતે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વરસાણાની ઇસ્પાત કંપનીમાં ગઈકાલે રાત્રે આ હીન કૃત્ય કરવામાં આવ્યું હતું. આ કંપનીમાં છેલ્લા ચારેક વર્ષથી કામ કરી અહી જ શ્રમિક વસાહતમાં રહેનારા એક પરપ્રાતીય દંપતીની બે બાળકીઓ છે. ગઇકાલે સાંજે કામથી પાછી આવીને મહિલાએ જમવાનું બનાવ્યું હતું. કામ પતાવીને તે પોતાની બે બાળકીઓ સાથે પોતાના રૂમ ઉપર સૂતી હતી ત્યારે આ મહિલાનો પતિ રાત્રે નોકરી ઉપર ગયો હતો. દરમ્યાન ગઇકાલે આ કંપનીમાં કાચો માલ ભરીને આવેલા ટ્રેઇલરનાં ક્લીનરો એવા રાજસ્થાનના સબલુકુમાર ચૌહાણ અને ભરત મોહન ગામેતી નામના ઇસમો ત્યા આવ્યા હતા. આ ઇસમોનું ટ્રેઇલર ઊભું હતું. તેનાથી થોડેક જ દૂર ભોગ બનનાર બાળકી તેની માતા સાથે ઓરડીમાં સૂતી હતી.દરમ્યાન ગમે તે રીતે આ ઇસમો 2 વર્ષીય બાળકીને ઓરડામાંથી બહાર બોલાવી ટ્રેઇલર નીચે લઈ ગયા હતા. જ્યાં આ નરાધમોએ બાળકીને પીંખી નાખી હતી. તેવામાં બાળકીની માતા જાગી જતાં અને પોતાની બાળકી નજરે ન પડતાં તેને આસપાસના લોકો સાથે બાળકીની શોધખોળ કરી હતી. આ 5-6 લોકો બાળકીને શોધતાં-શોધતાં મુખ્ય દરવાજા પાસે જઈ સુરક્ષાકર્મીને પૂછી પાછા આવી રહ્યા હતા. તેવામાં ટ્રેઇલરની નીચે રહેલા આ નરાધમો બીકના માર્યા બાળકીને મૂકીને નસવા માંડ્યા હતા અને તેવામાં બાળકી રડવા લાગતાં સૌ ચોકી ગયા હતા. નસવા લાગતાં આ ઇસમોને લોકોએ ઝડપી પાડ્યા હતા. બાળકીને પ્રથમ અંજાર અને વધુ સારવાર અર્થે ભુજ દાખલ કરાઇ હતી તેવું પોલીસે જણાવ્યુ હતું. આ બંનેને પોલીસે અટક કરી તબીબી પરીક્ષણ સહિતની આગળની તપાસ હાથ ધરી છે. માસૂમ બાળકી સાથે ગેંગરેપના આ બનાવે જિલ્લાભરમાં ચકચાર જગાવી હતી.