ભુજના ભારાપર ગામમાં યુવકની હત્યા ષડયંત્રમાં સગીર સહીત 3 આરોપીની અટકાયત કરાઈ

ભુજ તાલુકાના ભારાપર ગામમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હતી. જેમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ હતભાગીના ભાઈએ ફરિયાદ દાખલ કરાવી હતી. આ અંગે માનકુવા પોલીસે ગણતરીના કલાકોમાં સગીર સહીત ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

ભારાપર નજીક વડઝર રોડ પર આવેલ દેવરિયા તળાવ નજીક વડના ઝાડ પર લટકતી લાશ મળી આવી હતી. ભારાપર ગામના દિનેશ પચાણ મહેશ્વરીને માથાના ભાગમાં ઘા મારી હત્યા નીપજાવી લાશને ઝાડ પર લટકાવી દેવાઈ હતી. આ અંગે હતભાગીના ભાઈ ભરત મહેશ્વરીએ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

માનકુવા પોલીસે આરોપી શિવજી ઉર્ફે કિશન મહેશ્વરી, અરવિંદ મહેશ્વરી અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ યુવકને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. આ બાબતે માનકુવા પીઆઈ ડી.આર.ચોધરીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આરોપીઓની પૂછતાછ કરવામાં આવતા જૂની અદાવત હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ માટે આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરાશે.