કચ્છમાં ‘ન્યૂડ કોલ’ના કારણે અજયુકેટેડ લોકો પણ બન્યા સાયબર છેતરપિંડીનો ભોગ, એક મહિનામાં 50 જેટલી છેતરપિંડીની અરજીઓ

આધુનિક યુગમા ટેકનોલોજી સતત હરણફાળ ભરી રહી છે ત્યારે લગભગ તમામ પ્રકારનું કામ આંગળીના ટેરવે થઈ રહ્યું છે. જેમ જેમ સુવિધા વધતી ગઈ અને ફાયદાઓ થવા લાગ્યા તેમ  તેના ગેરફાયદાઓ પણ એટલા જ વધવા લાગ્યા છે. ત્યારે આવી ઘટનાથી સાયબર ક્રાઈમની ‘દોડધામ’ વધી જવા પામી છે. સાયબર ક્રિમીનલો બેફામ બની ગયા હોય તે રીતે ભુજ- ગાંધીધામમાં એક જ મહિનામાં 50 જેટલી છેતરપિંડીની અરજીઓ થઈ હોવાનું સામે  આવી રહ્યુ છે.  કુલ અરજીના 40% અરજીઓ માત્ર ‘ન્યુડ કોલ’ તથા ઈન્સ્ટન્ટ લોન આપતી કંપનીની હોવાનું જ જાણવા મળી રહ્યું છે.

સાયબર ક્રાઈમ સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું હતુ કે સાયબર છેતરપિંડી દિવસેને દિવસે વધી રહી છે અને દિન-પ્રતિદિન અરજીઓમાં વધારો થતો રહ્યો છે. આમ તો દરેક પ્રકારની સાયબર છેતરપિંડીનો લોકો ભોગ બની રહ્યા છે પરંતુ સૌથી વધુ ફરિયાદો ‘ન્યુડ કોલ’ ની નોંધાય  છે. માત્ર અભણ લોકો જ ન્યુડ કોલનો ભોગ બને તેવું નથી અનેક વખત વેલ એજ્યુકેટેડ લોકો પણ આ જાળમાં ફસાઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે અનેક પ્રકારની ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ માટે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટવીટર સહિતના માધ્યમો વડે લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે. તેનો ફાયદો થતો પણ મળી રહ્યો છે આમ છતાં હજુ અનેક લોકો આ સમસ્યામાં ઘેરાઈ રહ્યા હોવાને કારણે પોલીસ સામે એક પડકાર પણ છે. ભુજ તઠા ગાંધીધામમાં ન્યૂડ કોલ તેમજ ઈન્સ્ટન્ટ લોન આપતી કંપનીઓનો ભોગ બને છે.

તેમણે જણાવ્યું કે ખાસ કરીને વાત ‘ન્યુડ કોલ’ ની કરવામાં આવે તો મોટાભાગના લોકો બ્લેકમેઈલિંગથી ડર્યા વિના પૈસા આપવાનું ટાળતાં હોય છે પરંતુ અમુક અમુક કિસ્સાઓમાં નાની-મોટી રકમ ચૂકવી દેવાતી હોવાના કારણે ક્રિમીનલોની હિંમતમાં વધારો થાય છે. બીજી તરફ અનેક પીડિતો શરમ અને આબરૂ જવાના ડરથી ફરિયાદ કરવા આગળ આવતી નથી. ત્યારે, અજાણી વેબસાઈટ કે લીન્ક ઉપર ક્લિક જ નહીં કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.