ગાંધીધામમાં રિક્ષામાંથી ઉતરેલા મહિલાના ગળામાંથી સોનાની ચેન ચોરનાર આરોપીઓ ઝડપાયા

ગાંધીધામમાં રિક્ષામાથી ઉતરેલા મહિલાના ગળામાથી ચેનની ચીલ ઝડપ કરનાર આરોપીને પોલીસે પકડી પાડી આ ઘટનાનો ભેદ શોધી કાઢ્યો હતો. પોલીસે ખેંચેલી રૂ.85 હજારની ચેન, વાહન તેમજ મોબાઇલ સહિત કુલ રૂ.1,85,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ઇન્ચાર્જ પીઆઇ એમ.એન.દવેએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગાંધીધામના ભારતનગરની રબારી કોલોનીમાં રહેતા 59 વર્ષીય પ્રેમીલાબેન જયંતિલાલ કોટક સવારે રિક્ષા સ્ટેન્ડ ગયા હતા જ્યાં એક રિક્ષામાં એક લેડિઝ અને જેન્ટ્સ બેઠા હતા અને ભારતનગર જતા હોવાટી તેઓ એ રિક્ષામાં બેઠા હતા. રિક્ષા ચાલકે ખોડિયારનગર જતા રસ્તા પર રિક્ષા ઉભી રાખી આ ભારતનગર નહીં જાય કહેતાં તેઓ ઉતરી પગપાળા જઇ રહ્યા હતા તે દરમિયાન જ રિક્ષામાં બેઠેલા શખ્સે તેમના ગળામાં પહેરેલી રૂ.85,000 ની કિંમતની દોઢ તોલાની સોનાની ચેનની ચીલ ઝડપ કરી રિક્ષા ભગાવી ભાગી ગયા હોવાની ફરિયાદ દાખલ થયા બાદ આરોપીઓને પકડવા દરમિયાન નેત્રમ તથા હ્યુમન સોર્સની મદદથી આ ચોરીને અંજામ આપનાર મુળ અમરેલીના હાલમાં અંજાર રહેતા અરૂણ ભરતભાઇ દેવીપૂજક, પાલનપુરના હાલમાં અંજાર રહેતા ઉષાબેન ગોવિંદભાઇ દેવીપૂજક અને અજય સુરેશભાઇ દેવીપૂજકને સરદાર વલ્લભભાઇની પ્રતિમા નજીક ગ્રીન પાન દુકાન આગળ સર્વિસ રોડથી ઝડપી પાડી તેમણે મહિલાના ગળામાંથી ખેંચેલી રૂ.85,000 ની કિંમતની સોનાની ચેઇન રિકવર કરી મોબાઇલ અને રિક્ષા સહીત કુલ રૂ.1,85,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

પીઆઇ દવેએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓ ચાલતા જતા રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી મોબાઇલ અને પર્સની ચીલ ઝડપ કરી ભાગી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.