આદિપુરમાં બંધ ગોદામના તાળાં તોડી, ચોરે 4.56 લાખના માલની ચોરીને અંજામ આપ્યો

આદિપુર જી.આઈ.ડી.સી.માં આવેલ એક બંધ ગોદામના તાળાં તોડી તસ્કરે 9 ટન પ્લાસ્ટિક મિક્ષર, ચાર ટન બિસલેરી ફલેક, વજન કાંટો, ડી.વી.આર. વગેરે મળીને કુલ રૂા. 4,56,000ના સામાનની ચોરીને અંજામ આપ્યો હતો. ગાંધીધામના સેકટર-4 વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર શંકર વઝીરાણીનું આદિપુર જી.આઈ.ડી.સી.માં ગોદામ છે. આદિપુરના વોર્ડ 1-બી પ્લોટ નંબર 62મા બાલાજી નામનું ગોદામ રાખી તેમાં પ્લાસ્ટિક રિસાયકલિંગનું કામ કરાય છે. ફરિયાદી ગત તા. 9-12ના સવારે પોતાના ગોદામમાં ગયા હતા ત્યારે બધું બરાબર હતું, ગત સવારે ત્યાં જતાં ગોદામના મુખ્ય દરવાજાનું અને તેમની ઓફિસનું તાળું તૂટેલી હાલતમાં હતું. ફરિયાદીએ શટર ઊંચું કરી અંદર ગયા હતા, જેમાં ગોદામમાં રહેલો માલ ગુમ જણાઈ આવ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અહીંથી નવ ટન પ્લાસ્ટિક મિક્ષર, ચાર ટન બિસલેરી ફલેક, ત્રણ ટન પેપર વેસ્ટ, વજન કાંટો, શટર ખોલવાનો લોખંડનો હેન્ડલ અને તસ્કરોની ગતિવિધિ કે તેમના ચહેરા ન દેખાય તે માટે સી.સી. ટી.વી. કેમેરાનું ડી.વી.આર. મળીને કુલ રૂા. 4,56,000ના સામાનની ચોરી કરાઇ હતી. ચોરોએ મોટા પ્રમાણમાં માલની ચોરી કરવા માટે કોઈ મોટા વાહનનો ઉપયોગ કર્યો હશે તેવી શક્યતા સાથે આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.