નખત્રાણાના વિથોણમાં ધાણીપાસા વડે જુગાર રમતા 9 જુગારીઓને પોલીસે ઝડપ્યા: 1,66,500નો મુદ્દામલ જપ્ત

નખત્રાણા તાલુકાના વિથોણ ગામમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમાતા પર નખત્રાણા પોલીસે રેડ પાડી નવને ઝડપી પાડ્યા હતા. તો બે ભાગી ગયા હતા. આ રેડ દરમિયાન પોલીસે રોકડા રૂા. 11,500 સહિત રૂા. 1,66,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નખત્રાણા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે વિથોણની પૂર્વ બાજુ જૂના ગટરના ટાંકા નજીક ધાણીપાસા વડે રમાતા જુગાર પર રેડ પાડવામાં આવતા જુગાર રમતા કમલેશ રાજેન્દ્ર જોશી (નાના નખત્રાણા), મેહુલનાથ દયાનાથ ગોસ્વામી (મોટા અંગિયા), મહેન્દ્ર કાયા બુચિયા, નાનજી કાયા બુચિયા, અદ્રેમાન હુસેન નોડે, ઈસ્માઈલ અદ્રેમાન કુંભાર, અલ્પેશ વિનોદ વાળંદ, ધનગર દામગર ગોસ્વામી અને પેથુભા હરભમજી જાડેજા (રહે. તમામ વિથોણ)ને પકડી પાડ્યા હતા. જયારે ગુલમામદ અભલા નોડે તથા રતા કારા પાયણ (રહે. બન્ને વિથોણ) ભાગી ગયા હતા. રોકડા રૂા. 11,500 તથા પાંચ મોબાઈલ કિં. રૂા. 25,000 અને સાત મોટરસાઈકલ કિં. રૂા. 1,30,000 એમ કુલ્લે રૂા. 1,66,500નો મુદ્દામાલ જપ્ત કરી અગિયાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે નખત્રાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.