દેવપુરા નજીક ટ્રકમાં મગફળીની બોરીઓની આડમાં છુપાવેલો 4.57 લાખનો દારૂ પોલીસે ઝડપી પપાડ્યો

સુઇગામ પોલીસે દેવપુરા પાસેથી ટ્રકમાં મગફળીની બોરીઓની આડમાં છુપાવેલ 4.57 લાખના દારૂ સાથે ટ્રક ચાલકને પકડી લીધો હતો. સુઇગામ પીએસઆઈ એચ.એમ.પટેલને મળેલ ખાનગી બાતમી આધારે સ્ટાફ સાથે વાવ તરફથી આવી રહેલ ટ્રકને અટકાવવા માટે દેવપુરા નજીક વાવ તરફથી આવી રહેલ ટ્રક (જીજે 09 ઝેડ 5486)ને અટકાવવાના પ્રયાસ કરવામાં આવતા  ટ્રક ચાલકે ટ્રક રોકી હતી નહિ.

જેનો પીછો કરી રૂપાણીવાસ પાસે ટ્રકને આંતરી ટ્રકની તલાશી લેવામાં આવતા મગફળીની બોરીઓની નીચે દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. જેથી ટ્રક સુઇગામ પોલીસ સ્ટેશને લાવી તપાસ કરવામાં આવતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 47 પેટીઓ મળી આવી હતી. કુલ 672 બોટલ કિંમત રૂ.4,57,080, મગફળીની 485 બોરીઓ કિંમત રૂ.3,88,000, એક મોબાઈલ તથા ટ્રક મળી કુલ રૂ.14,50,080 નો મુદ્દામાલ જપ્ત લઈ ટ્રકના ડ્રાઇવર જ્ઞાન પ્રકાશ રામારામજી ઝાટ, રામાં રામજી જાટ અને મોટારામ ચૌધરી સામે સુઇગામ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો છે.