અંજાર નજીક જુમાપીર ફાટક પાસે પ્રેટ્રોલ પંપના બે કર્મચારીઓ પર મરચાની ભુકી છાટી 16 લાખની લુંટ કરવામાં આવી

અંજાર પાસે જુમાપીર ફાટક પાસે મંગળવારના રાત્રે બાઇક પર આવેલા ત્રણ ઇસમોએ પ્રેટ્રોલ પંપના કર્મચારીઓ પર મરચાની ભુકી છાટયા પછી છરીના ધા મારીને 16 લાખની ચોરી કર્યાની માહિતી બહાર આવતા પુર્વ કચ્છમાં પોલીસ દોડતી થઈ હતી. બનાવમાં ધાયલ થયેલા બંને કર્મચારીઓને ગત રાત્રે રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. પોલીસે પણ સ્થળ પર પહોચી નિવેદન લઈ તજવીજ આરંભી હતી અને ઇસમોને ઝડપવા ગાંધીધામ,આદિપુર,અંજાર સહિતના આસપાસના વિસ્તારોમાં નાકાબંધીના આદેશો આપ્યા હતા. સુત્રોએ જણાવ્યુ હતું કે મીઠી રોહર વિસ્તારમાં આવેલા અંબીકા પ્રેટ્રોલપંપમાં કામ કરતાં હરીશંકરપ્રસાદ શર્મા અને તેના રજત વાનખેડે પોતાની બાઇક જીજે.12.ડીએફ.6362 ઓલ્સો ગોલાઈ ખાતે આવેલી તેમની મુખ્ય ઓફિસ અંબીકા ઓટોમોબાઇલથી મેઘપર બોરીચીમાં મહાવીર નગર ખાતે તેમના ઘરે જતાં હતા, ત્યારે એક બાઇક પર બુકાની પહેરેલા ત્રણ શખ્સોએ કે જેમની ઉંમર આશરે 18 થી 25 હોઇ શકે, તેમણે ઉતરીને બાઇકને લાત મારી થેલો આપી દેવા કહ્યું હતું. જેનો પ્રતિકાર થતાં મરચાની ભુકિ નાખીને છરીના ધા મારવા માંડ્યા હતા, ત્યારપછી થેલો લઈને ત્રણેય શખ્સો સ્થળ પરથી નાસી છૂટયા હતા. થેલામાં 16 લાખ રોકડ હોવાનું જાણવા મળે છે ત્યારે પોલીસે ગત રાત્રે ફરિયાદ નોંધી તજવીજનો દોર આરંભ્યો હતો. બનાવમાં જાણભેદુ હોવાની શંકાના આધારે તે દિશામાં પણ તપાસ ચાલી રહિ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું. તાજેતરમાં આદિપુરમાં એટીએમ સહિતની બે લુટની ધટના બની છે અને બીજી લુટના કિસ્સામાં પીડીતનું મૃત્યુ પણ થયું છે ત્યારે વધુ એક આ પ્રકારનો બનાવ પુર્વ કચ્છમાં સામે આવતા ચકચાર મચી છે અને કાયદાના રક્ષકોને અસામાજીક તત્વો સીધો પડકાર ફેકતા નજરે પડ્યા છે.