સુરજબારી ચેકપોસ્ટ નજીક ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનું મોત
સુરજબારી ચેકપોસ્ટ નજીક ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલ આઇસર ટ્રકમાં ભટકાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઇસર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
આ અકસ્માત અંગે સામખીયારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. મળતી માહિતી અનુસાર ગાંધીધામ જઈ રહેલા નટવરલાલ નરશીભાઈ કોટડીયા પોતાની માલિકીના GJ-03—BV-8010 આઇસરથી સુરજબારી ચેકપોસ્ટ નજીક પહોચ્યા ત્યારે આગળ જઈ રહેલા ટ્રક GJ-14-ટી-4592ના ચાલકે અચાનક બ્રેક મારતા આઇસર પાછળથી ટ્રક સાથે અથડાઇ જતાં આ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં આઇસર ચાલકને જમણા પગે સાથળના નીચેના ભાગે તેમજ ડાબા પગે ઘૂંટણ નીચે ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે માતૃસ્પર્શ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સાડા અગ્યારેક વાગ્યે મોત નીપજયું હતું. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.