મુંદરા વિસ્તારમાં વાયર ચોરીને અંજામ આપતી ટોળકી ઝડપાઇ

મુંદરા તાલુકાના લુણીથી ગોયરસમા વચ્ચે રેલવે લાઇનના ઇલેક્ટ્રીક થાંભલામાંથી કેબલ ચોરી તેમજ ગુંદાલાની કંપનીમાંથી શીશાની ચોરીને અંજામ આપનારી ટોળકીને એલ.સી.બી.એ ઝડપી આ બંને ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. મુંદરા વિસ્તારમાં આજે એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ઉપરોક્ત બે ચોરીને અંજામ આપનાર ટોળકી હાલ ગુંદાલા રોડના ભંગાર વાડામાં હાજર છે. આથી ટીમે દરોડો પાડતાં આરોપીઓ અરવિંદસિંહ સુલતાનજી જાડેજા, ટીનુભા ઉર્ફે રામદેવ હેમુભા જાડેજા, મયૂરસિંહ હેમુભા જાડેજા (રહે. તમામ વિરાણિયા, તા. મુંદરા) તથા ઇબ્રાહીમ જુસબ કુંભાર (ગાંધીધામ) મળી આવ્યા હતા. પીકઅપ વાહનમાંથી ચોરાઉ કોપર વાયર કુલે રૂા. 4,22,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા એમ મુંદરા મરીનની બે ચોરીના ભેદ એલસીબીએ ઉકેલી લીધા હતા. આ ચોર ટોળકીમાંના હજુ બે આરોપી દશરથસિંહ સુલતાનજી જાડેજા તથા જીતુભા સુલતાનજી જાડેજા (રહે. બંને વિરાણિયા)ને ઝડપવાના બાકી છે