ટ્રેનના એસી કોચમાં તસ્કરી કરનારો શખ્સ દબોચાયો

રાપર, તા. 10 : થોડા દિવસોના અંતરમાં કચ્છથી મુંબઈ વચ્ચે દોડતી સયાજીનગરી અને કચ્છ એકસપ્રેસના એસી કોચમાં મોબાઈલ-પર્સની ચોરી કરનારા તસ્કરને ઝડપી પાડવામાં રેલવે પોલીસને સફળતા મળી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ’ ટ્રેનના સેકન્ડ એસી કોચમાં ચોરીના બનેલા બે બનાવ સંદર્ભે રેલવે પોલીસે જુદી જુદી ટીમ બનાવી હતી.’ આજે વહેલી સવારે સયાજીનગરી એકસપ્રેસ ગાંધીધામ આવી ત્યારે આરોપી’ નજીરહુશેન હારૂનભાઈ સઠિયા’ શંકાસ્પદ હાલતમાં જણાતાં તેને ઝડપી પાડી રેલવે પોલીસ મથકે લવાયો હતો. પૂછપરછ દરમ્યાન તેણે બન્ને ટ્રેનના એસી કોચમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીના કબજામાંથી’ 99,900ની’ કિંમતનો આઈફોન અને 6,000 રોકડા’ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ટ્રેનમાં થયેલી ચોરીના કેસમાં એક પણ આરોપી હાથમાં આવ્યો નથી. અંજારમાં રિક્ષા ચલાવતો આરોપી રાત્રિના સમયે મુસાફરી દરમ્યાન પ્રવાસીઓ નિદ્રાધીન હોય ત્યારે તકનો લાભ લઈને ચોરીના બનાવને અંજામ આપતો હતો. આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેના 13 તારીખે સાંજે’ 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આ કામગીરીમાં રેલવે પી.એસ.આઈ. પી.કે. સોંદરવા, મહંમદખાન અબ્દુલ્લાખાન, શામળાભાઈ ગોપાલભાઈ, રામદેવસિંહ’ સુરપાલસિંહ, અમરદીપસિંહ કિરીટસિંહ, જયેશભાઈ મનસુખભાઈ,મહેશભાઈ ઉમાભાઈ વિગેરે જોડાયા હતા