અંજારના હેન્ડીક્રાફ્ટના બે વેપારી સાથે 2.31 લાખની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરતા  શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અંજારમાં બે વેપારી પાસેથી જૂનાગઢના શખ્સે 2,31,784 નો સામાન ખરીદી વેપારીને રૂપિયા ન ચૂકવી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે નગરપાલિકા કોલોનીમાં રહેતા ઇસ્માઈલ હાજીઅબ્દુલ લતીફ ખત્રીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ અંજાર મધ્ય હેન્ડીક્રાફ્ટની દુકાન ચલાવી ગુજરાત ચલાવે છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર સાજીદ ઈબ્રાહીમ સિપાહી રહે. તારા બંગલા પાછળ કુંભારવાડા બારા સૈયદ રોડ જુનાગઢ ફરિયાદી પાસેથી પંજાબી શુટ તથા ડ્રેસ મટીરીયલ લઈ જઈ માલના રૂપિયા રોકડા આપી જતા હતા. આમ ફરિયાદીનો વિશ્વાસ કેળવી આરોપીએ 1,45,184 ના સામાનની ખરીદી કરી હતી જે સામાન ખાનગી ટ્રાવેલ્સમાં મોકલવામાં આવ્યો હતો તેમજ ખત્રી ચોકમાં આવેલી સબાના એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી વેપારીના ભત્રીજા શાહિદ મહમદહુસેન ખત્રી પાસેથી પણ આરોપીએ રૂપિયા 86 હજારનો માલ સામાન ખરીદ્યો હતો જેના નાણા એકાદ મહિનામાં આપી દેવાના વાયદા કર્યા હતા. ફરિયાદીએ અવારનવાર રૂપિયાની માંગણી કરવા માટે આરોપીને ફોન કરતા કોઈ પ્રતિભાવ મળ્યા ન હતા. જેથી ફરિયાદીએ આરોપી આપેલ સરનામા લુટલે બજાર ગામ મહુવા ભાવનગરમાં તપાસ કરતા દુકાન બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં અગાઉ પોલીસ અરજી કરવામાં આવેલ હતી. જેથી  પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.