ભુજના યુવક સાથે સબસિડી લોનના બહાને 10,000ની છેતરપિંડી કરાઈ
ભુજના યુવકને એક યુવતીએ સબસિડી લોન આપવાનું કહી બેંકમાં ખાતું ખોલાવી યુવક પાસેથી 10,000 રૂપિયા લઈ લોન ન આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે સહયોગનગરમાં રહેતા દક્ષેશ ચંદ્રકાંતભાઈ વાસાણીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, આઠેક મહિના અગાઉ ફોરમ વિશ્વનાથ નાથબાવા સાથે મુલાકાત થઈ હતી. તેણીએ ફરિયાદીને પોતે એચ.ડી.એફ.સી.બેંક ગાંધીધામ શાખામાં સબસિડી લોનનું કામ કરતાં હોવાનું જણાવી લોન જોઈતી હોય તો સંપર્ક કરવાનું જણાવ્યુ હતું. જેથી ફરિયાદીએ લોન માટે આરોપી ફોરમનો સંપર્ક સાધી અઢી લાખ રૂપિયાની લોન જોઈતી હોવાનું જણાવ્યુ હતું. જેથી આરોપી ફોરમે ફરિયાદીને આધારકાર્ડ તેમજ પાનકાર્ડ મોકલી આપવાનું કહ્યુ હતું. 2 દિવસ બાદ ફોરમે ફરિયાદીને તમારી લોન અપ્રુવ થઈ ગયેલ છે પરંતુ તમારે એચ.ડી.એફ.સી. બેંકમાં ખાતું ખોલાવવું પડશે જેથી તમારે 10,000 આપવા પડશે ત્યારબાદ રિફંડ મળી જશે એવું જણાવ્યુ હતું. જેથી ફરિયાદીએ બેંકમાં ખાતું ખોલાવી ફોરમના બેંક ઓફ બરોડામાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કરાવેલ હતા. ફરિયાદીએ થોડા દિવસ પછી ફોરમને લોન બાબતે પૂછતા આરોપીએ લોનના અઢી લાખ રૂપિયા જમા કરાવી દીધેલ હોવાનું જણાવ્યુ હતું. ફરિયાદીએ આરોપીને જણાવેલ કે તેમના ખાતામાં રૂપિયા જમા થવાનો કોઈ મેસેજ આવેલ નથી, જેથી આરોપીએ ચેક ખોવાઈ ગયેલ છે તેવા ખોટા બહાના કરતાં ફરિયાદીએ બેંકમાં જઈ રૂપિયા બાબતે પૂછપરછ કરતાં બેન્કના કર્મચારીએ કોઈ રૂપિયાનો ચેક જમા થયેલ ન હોવાનું જણાવ્યુ હતું. જેથી ફરિયાદીને પોતાની સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી અચરાઈ હોવાનું જણાતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ અંગે પોલીસે આરોપી ફોરમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.