અંજાર તાલુકાનાં ખંભરા વાડી વિસ્તારમાં 2.47 લાખની ચોરી

અંજાર તાલુકાનાં ખંભરા વાડી વિસ્તારમાં એક વાડીમાં રહેણાક ખેતમજૂર અને તેમના પત્ની ઉપર છુટ્ટા પથ્થર, ધોકા વડે હુમલો કરી તેમના ઘરમાં ધુસી પાંચ આરોપીઓ રોકડ રકમ, સોના, ચાંદીના દાગીના તથા પાંચ મોબાઈલ એમ કુલ રૂ. 2,47,500 ની મતાની ચોરી કરીને નાસી છૂટયા હતા. પૂર્વ કચ્છમાં વધુ એક લૂંટની ઘટનાથી ભારે ચકચાર પ્રસરી હતી. ખંભરા વાડી વિસ્તારમાં શિવજી ગોવિંદ પરમારની વાડીમાં રહેણાક અને ખેતમજૂઋ કરતાં મૂળ ચિત્રોડનાં સામજી મમુ અખિયાણી એ લૂંટની આ ઘટના અંગે પોલીસ ફરિયાદ લખાવી હતી. આ યુવાન એવા ફરિયાદી તથા તેમના પત્ની કાન્તાબેન ગત રાત્રીનાં અરસામાં ઘરના આંગણામાં ખાટલા ઉપર સુતા હતા ત્યારે તેમના પુત્ર-પુત્રી તથા બે ભત્રીજા ઘરની અંદર સુતા હતા. અચાનક ત્રણ અજાણ્યા આરોપીઓએ છુટ્ટા પથ્થરોનાં ધા કર્યા હતા. અને બાદમાં ધોકા વડે હુમલો કરી આ યુવાનનાં મકાનમાં ધુસ્યા હતા. મકાનમાંથી આ લૂંટારૂઓએ રોકલ રૂ. 2 લાખ તથા રૂ. 40,000 નાં સોના-ચાંદીનાં દાગીના અને પાંચ મોબાઈલ એમ કુલ રૂ. 2,47,500 ની મતાની લૂંટ કરી બહાર ઉભેલા પોતાના બે સાગરીતો સહિત આ પાંચેક આરોપીઓ નાસી છૂટયા હતા. પગપાળા જ આ વાડીમાં આવી લૂંટ ચલાવનારા આ આરોપીઓ કોણ હતા તેની આગળની કાર્યવાહી રાબેતા મુજબ પોલીસે હાથ ધરી છે. લૂંટના ચકચારી એવા આ ઘટનામાં ધવાયેલા સામજી અને તેના પત્ની કાન્તાબેનને વધુ સારવાર અર્થે ભુજ દાખલ કરાયા હતા. પૂર્વ કચ્છમાં બનતી ચોરી, લૂંટની ઘટનાઓ પરથી ફલિત થઈ રહ્યું છે કે, લોકો હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. ત્યારે આવી ઘટના રોકવા પોલીસ કેવી રણનિતી અપનાવે છે તે જોવાનું રહ્યું.