અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં બંધ ઘરમાથી 1.43 લાખની તસ્કરી

અંજારના મેઘપર બોરીચીમાં બંધ ઘરમાથી ચોરે રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે તુલશીધામ સોસાયટી મેઘપર બોરીચીમાં રહેતા હિરલબેન રાજેન્દ્રકુમાર ડાભીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ પોતાના પતિ અને પરિવાર સાથે પોતાના વતન ગયા હતા જ્યારે તેમના સસરા  ઘરે હતા. તા.30-1ના ફરિયાદી તેના પતિ અને નણંદ સાથે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ગાંધીધામ રેલ્વે સ્ટેશન પાસે પહોચતા તેમના સસરાએ ફોન દ્વારા જણાવ્યુ હતું કે, તેઓ સાંજના મંગલેશ્વર નરેશની ગેરેજ પર ગયા હતા અને ત્યાથી આશરે સાડા છ વાગ્યે પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાને લગાવેલ તાળું તૂટેલ હાલતમાં જોવા મળ્યું અને ચોરી થઈ હોવાનું જણાઈ આવી રહ્યું છે. જેથી ફરિયાદીએ તેમના ઘરે જઈ તપાસ કરતાં ઘરના દરવાજાના તાળાં તેમજ તિજોરીનું લોકર તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. લોકરમાં રહેલ સોનાની બાલી, સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાની ચેઇન, સોનાના જુમર, સોનાના પેંડલ, ચાંદીના સાંકળા, ચાંદીની ઝાંઝરી, ચાંદીની પાયલ, ચાંદીનો જુડો, ચાંદીનું કડુ મળી કુલ.કિ.રૂ.1,33,500ના દાગીના તેમજ રોકડા રૂપિયા 10,000 મળી કુલ કિ.રૂ.1,43,500ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. અંજાર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.