ભુજમાં ટ્રક અને બાઇકનો અકસ્માત સર્જાયો: એકનું મોત એક ઈજાગ્રસ્ત

ભુજમાં ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક સવારનું મોત નીપજયું હતું જ્યારે બાઇક ચાલકને ઇજાઓ પહોચી હતી.

આ અંગે પોલીસના સત્તાવાર સાધનોમાથી મળતી માહિતી અનુસાર ગઈ કાલે સાંજના 6 વાગ્યાના અરસામાં વિરમજી આમરજી સિંધલ તેમજ રાજેન્દ્રસિંહ ભાવસંગજી સિંધલ GJ-12-CN-9713 બાઇક પર ભુજ થી દેશલપર વાંઢાય જઈ રહ્યા હતા. તે દરમિયાન ભુજ પ્રિન્સ રેસિડેન્સી નજીક પહોચતા GJ-12-AU-9039ના ટ્રક ચાલકે પોતાના કબજામાં રહેલ ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારતા બંને નીચે પટકાયા હતા. આ ઘટનામાં બાઈક ચાલક વિરમજીને હાથમાં ફેકચર જેવી ઇજાઓ પહોચી હતી જ્યારે બાઈક સવાર રાજેન્દ્રસિંહને માથાના ભાગે તેમજ કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. બંને ઇજાગ્રસ્તને સારવાર અર્થે એકોર્ડ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રાજેન્દ્રસિંહનું મોત નીપજયું હોવાનું જણાવ્યુ હતું. અને વિરમજીને વધુ સારવાર અર્થે કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલ રિફર કરાયા હતા. ભુજ એ-ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.