ગુજરાત મોનિટરિંગ સેલની ટીમે મેઘપર બોરીચીમાથી 27,920નો શરાબનો જથ્થો ઝડપ્યો

ગુજરાત મોનિટરિંગ સેલની ટીમ રાજયમાં થતાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા જુગારની પ્રવૃતિને ડામવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાંધીધામ અંજાર હાઇવે રોડ ઉપર મેઘપર બોરીચી ખાતે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અંજાર તાલુકાનાં ગાંધીધામ હાઇવે ઉપર મેઘપર બોરીચી ગામ વિસ્તારમાં ગોલ્ડન પાર્ક પાછળ રહેતો ઉદયસિંહ દરબાર મેઘપર બોરીચી કારખાના વિસ્તારમાં અંજાર ગાંધીધામ હાઇવે રોડ ઉપર જીનસ ઇલેક્ટ્રીક કારખાનાની પાસે લાકડાની કેબિન રાખી માણસો રાખી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર તેમજ વીદેશી દારૂ રાખી વેપાર કરે છે. બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી વાસુદેવ શ્યામલાલ ગર્ગ, અગ્રવાલ ઉ.વ.34 રહે. મેઘપર બોરીચી, સ્વામિનારાયણ સોસાયટી, સર્વે નં.1, મકાન નં.1-એતા, અંજાર મૂળ સંગેરિયા, ગુરુનાનક બસ્તી, થાણા સંગેરિયા, (રાજસ્થાન) વાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસે કેબિનમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂના બોટલો તથા ટીન મળી આવ્યા હતા.

પોલીસે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો મેઘપર બોરીચીમાં ગોલ્ડન પાર્ક પાછળ રહેતા ઉદયસિંહ દરબાર છોટા હાથી વાહનમાં આપી ગયેલ હોવાનું અને વેચાણ કરવા મજૂરીએ રાખેલ હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપી પાસેથી અલગ અલગ બ્રાન્ડની 135 બોટલો તથા 11 ટીન મળી કુલ.કિ.રૂ.27,920, 870 રૂપિયા રોકડા તથા  મોબાઈલ ફોન કિ.રૂ.5000 મળી કુલ.કિ.રૂ.33,790નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.