મેઘપર બોરીચીમાં પોલીસે 62,940ના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો : એક ફરાર

અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મેઘપર બોરીચીમાં જલારામ મંદિર પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ઉદયસિંહ જાદવ રહે.મેઘપર બોરીચીમાં આવેલ જલારામ મંદિરની બાજુમાં આવેલ આશાપુરા સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં ગટરની ટાંકીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખેલ છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી દરોડો પાડી ઉદયસિંહ બાલુભા જાદવ ઉ.વ.29 રહે. મ.નં.90 ભક્તિ નાગર-2 જલારામ મંદિરની બાજુમાં મેઘપર બોરીચીવાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 280 બોટલો તથા 42 નંગ ટીન મળી કિ.રૂ.62,940નો જથ્થો તથા મોબાઈલ ફોન મળી કુલ.કિ.રૂ.69,940નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ઝડપાયેલ આરોપીને આ જથ્થા અંગે પૂછપરછ કરતાં આ જથ્થો મેઘપર બોરીચીમાં રહેતો અર્જુનસિંહ બળવંતસિંહ ચુડાસમા આપી ગયો હોવાનું જણાવ્યુ હતું. જે શખ્સ દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.