ગાંધીધામમાં યુવાનની છરીથી હત્યા
ગાંધીધામ શહેરના કાર્ગો ઝૂંપડપટ્ટી રામાપીરના મંદિર નજીક દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ઘરે મૂકવા ગયેલા નરેશ ઉર્ફે ચિપલી લક્ષ્મણ બારોટ (ઉ.વ.21) નામના યુવાન ઉપર છરી વડે હુમલો કરાયો હતો. આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દેતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. શહેરના કાર્ગો એકતાનગર વિસ્તારમાં ગત તા. 3/2ના બપોરના ભાગે આ જીવલેણ હુમલો થયો હતો. આ વિસ્તારમાં કોકીલાબેન પ્રવીણ સોમેશ્વરા નામના મહિલા દુકાન ચલાવે છે. ત્યાં ગત તા. 3/2ના બપોરના ભાગે નરેશ ઉર્ફે ચિપલી ગયો હતો. તેવામાં અહીં આરોપી એવો રોહિત મારાજ હતો. આ આરોપી કોકીલાબેનની દુકાન આગળ ગાળા ગાળી કરતો હતો, જેથી આ મહિલાએ નરેશને કહ્યું હતું કે, આને ઘરે મૂકી આવ. દરમ્યાન ચિપલી આ શખ્સને ઘરે મુકવા ગયો હતો. તે આરોપીને’ ઘરમાં મુકી પરત આવી રહ્યો હતો, ત્યારે રોહિત પાછળ આવ્યો હતો અને’ હું કોકીલાબેનને ગાળો બોલતો હતો, તું શું કામ વચ્ચે પડી મને મારા ઘરે મુકવા આવ્યો છે. આજ તો તને જાનથી મારી નાખવો છે. તેમ કહી મારી નાખવાના ઇરાદે નરેશના ડાબા પડખામાં છરી ભોંકી દીધી હતી. તેનાથી છોડાવીને આ’ યુવાન જેમ-તેમ કરીને કોકીલાબેનની દુકાન પાસે પહોંચતાં આ મહિલા તેને રીક્ષામાં બેસાડીને સારવાર અર્થે લઇ ગયા હતા. દરમ્યાન બનાવના ફરિયાદી એ નરેશના માતા નિરૂબેન લક્ષ્મણ બારોટને પોતાના દિકરાને છરી વાગી હોવાના સમાચાર મળતાં તે તેને શોધવા નીકળ્યા હતા, પરંતુ તે ન મળતાં પરત આવ્યા હતા. થોડીવાર બાદ કોકીલાબેન અને નરેશ સારવાર કરાવીને ઘરે આવ્યા હતા ત્યારે નરેશે આ બનાવ અંગે પોતાની માતાને વાત કરી હતી. બાદમાં ઢળતી બપોરે તેને પેટમાં દુ:ખાવો થતાં તેને ફરીથી સારવાર અર્થે લઇ જવાયો હતો. અને રાત્રે આ યુવાનને પરત લવાયો હતો. તેવામાં ગઇકાલે સવારે દુ:ખાવો થતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરિયાદી પાસે ઓપરેશનના પૈસા ન હોવાથી આદિપુરની સંસ્થાની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, ત્યાં તબીબોએ યુવાનના આંતરડામાં કાણું પડી ગયું હોવાનું અને તેમાંથી લોહી નીકળતું હોવાનું કહી ઓપરેશન કરવા જણાવાયું હતું. ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા આ યુવાનને સારવાર દરમ્યાન દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. રોહિત મારાજ વિરુદ્ધ ગઇકાલે જીવલેણ હુમલાની કલમો તળે ગુન્હો નોંધાયો હતો. પરંતુ યુવાનનું મોત થતાં ફરિયાદમાં 302નો ઉમેરો કરાશે તેવું પોલીસે કહ્યું હતું. આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા હોવાનું બી ડિવિઝન પી.આઇ. એમ.એન. દવેએ જણાવ્યું હતું.