મંગવાણામાં ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા યુવકને માર મરાયો
નખત્રાણાના મંગવાણા ગામમાં ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા બબાલ થયો હતો. આ અંગે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં મહેશ લખુભાઈ રોસીયાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમને જીયાપર ગામના સંજય વેલજી કોલીને 3500 રૂપિયા ઉછીના આપેલ હતા. ફરિયાદી પોતાના મિત્ર સાથે યક્ષ ત્રણ રસ્તા મધ્યે ચાની હોટેલ પર બેઠા હતા અને પોતાને રૂપિયાની જરૂર હોય આરોપી સંજયને ફોન કરી રૂપિયા આપી જવા કહેલ હતું. આરોપી સંજય ઉપરોક્ત સ્થળ પર આવતા ફરિયાદીએ કહેલ કે, મને રૂપિયાની જરૂર છે તો મારા રૂપિયા પાછા આપ. તો સંજય કોલીએ હું તારા રૂપિયા નહિ આપું જા,તારાથી થાય એ કરી લે એવું કહી ગાળો આપી જાતિ અપમાનિત શબ્દો બોલવા લાગેલ હતો. એ દરમિયાન ફરિયાદી અને આરોપી વચ્ચે બોલાચાલી થતાં ફરિયાદી મહેશે આરોપી સંજયને ગાલ પર જાપટ મારતા સંજયે ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ફરિયાદી મહેશને તેના મિત્રે વધુ મારથી છોડાવ્યો હતો. આ બાદ ફરિયાદીને સારવાર અર્થે મંગવાણા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે આરોપી સંજય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.