અંજારના વરસામેડીમા થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો : ઘરના સભ્યે જ હાથ માર્યો”હોવાનું બહાર આવ્યું

અંજાર તાલુકાના વરસામેડીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી લીધો હતો. આ પ્રકરણમાં ઘરનો શખ્સ ઝડપાયો હતો. પોલીસે બે શખ્સની અટક કરી તેમની પાસેથી રોકડ રકમ તથા દાગીના એમ કુલ રૂા. 27,79,165નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. વરસામેડીમાં રહેતા હરિ શંભુભાઇ મ્યાત્રા (આહીર)એ ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમના પરિવારજનો અંતરજાળ ગયા હતા, પોતે દુકાને ગયા હતા દરમ્યાન તેમનો ભાઇ મહેશ ઉર્ફે કિશન શંભુ મ્યાત્રા ઘરે હાજર હતો જે બાદમાં ઘરને તાળાં માર્યા વગર વેલસ્પન કંપની બાજુ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે આ પ્રકરણમાં તપાસ હાથ ધરી ઘરના જ સભ્ય એવા મહેશ ઉર્ફે કિશનને પકડી પાડયો હતો. આ શખ્સે જ પોતાના ઘરમાં ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘરમાંથી હાથફેરો કરી તેણે દાગીના, રોકડ રકમ એક થેલામાં ભરી દીધી હતી અને ફરિયાદ કરતી વેળાએ પોતે પણ પોલીસ મથકે સાથે ગયો હતો. બાદમાં આ શખ્સ દાગીના ભરેલો થેલો લઇને જિલ્લા બહાર જતો રહ્યો હતો. પોલીસની ભીંસ વધતાં તે પરત આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતાં તે ભાંગી પડયો હતો અને પોતે જ આ બનાવને અંજામ આપ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ આપી હતી. તેણે આ બનાવને અંજામ આપ્યો હતો તેવું જાણતો હોવા છતાં તેનો મિત્ર મયંકકુમાર પંકજ નાયક (બારોટ) પોલીસને ગુમરાહ કરતો હતો. આ શખ્સની પણ પોલીસે અટક કરી હતી. પકડાયેલા કિશન પાસેથી રોકડ રૂા. 1,67,000, સોનાનું મંગળસૂત્ર, ચેઇન, વીંટીઓ, કાનમાં પહેરવાના સોય-દોરા, સોનાનો ઓમકાર, બંગડીઓ, ચાંદીના સાંકળા, ડોકિયું, ચાંદીનું ઝૂમખું, સોનાનો હાર, પોંચી, સાજન બુટી, સોનાનું પેન્ડલ, સોનાની બચ્ચા કડલી, ચાંદીના નવેરી, મોબાઇલ વગેરે મળીને કુલ રૂા. 27,79,165નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. પોતાના ઘરમાંથી ઘરના જ સભ્યે લાખોનો હાથફેરો કરતાં ભારે ચકચાર પ્રસરી હતી. આ કાર્યવાહીમાં અંજાર પી.આઇ. એસ. ડી. સિસોદિયા અને તેમની ટીમ સાથે જોડાઇ હતી.