યુવકે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા 6 શખ્સોએ યુવકને માર માર્યો
આ અંગે રાપરના ઇન્દિરાવાસ મોડામાં રહેતા વાલજીભાઈ ભાવાનભાઈ ભટીએ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.6-2ના રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘરની બહાર આવેલ દરવાજા પાસે બેઠા હતા. આ દરમિયાન તેમના વાસમાં રહેતા અરવિંદ કરશન ભટી તેની રિક્ષા લઈ આવી ફરિયાદીના ઘર પાસે ઊભી રાખેલ. રિક્ષમાં બેસેલ અમરત કરશન ભટી, કાનજી કરશન ભટી, તથા શંકર કરશન ભટી તેઓ ચારેય રિક્ષામાથી નીચે ઉતારી ફરિયાદીના ઘર પાસે જોર-જોરથી ગાળા-ગાળી કરવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ આરોપીઓને કહેલ કે, તમે મારા ઘરની આગળ ગાળા-ગાળી ન કરો મારા ઘરે માં-બહેન છે. જેથી અરવિંદ કરશન ભટીએ આ ક્યાં તારા બાપનો રસ્તો છે કહી ગાળો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન રાજેશ કરશન ભટી અને કરશન વેલા ભટી આવી જઈ બધા ગાળો આપવા લાગ્યા હતા. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પડતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ધકબુશટનો માર મારવા લાગ્યા હતા. તો અરવિંદ કરશન ભટીએ પોતાની રીક્ષામાથી લાકડાનો ધોકો કાઢી ફરિયાદીને ડાબા પગના ઘૂંટણમાં માર્યો હતો. આ દરમિયાન રાડારાડી થતાં ફરિયાદીનો પરિવાર આવી જતાં તેને વધુ મારથી છોડાવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ જતાં જતાં હવે પછી અમારા સામે આવીશ તો તને જાનથી મારી નાખશુની ધમકી આપી હતી. ફરિયાનીને સારવાર અર્થે પલાસવા સરકારી દવાખાને લઈ જવાયો હતો. પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.