ભુજના કોટડાની સીમમાંથી 96,000ના કોપર કેબલ વાયરની ચોરી

ભુજ તાલુકાનાં કોટડાની સીમમા બોરની ઓરડી પાસે રાખવામા આવેલ 1200 ફૂટનો કિ.રૂ. 96,000ના કોપર કેબલ વાયરની ચોરી થઈ હોવાની ફરિયાદ પધ્ધર પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં મણીલાલભાઈ માવજીભાઈ માકાણીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કોટડા આથમણા સીમમાં તેમની વાડી આવેલ છે. તા.6-2ના બોરની મોટર બગડી જતાં તેઓ સવારના દશેક વાગ્યે તેમના ભાઈ, મોટર કાઢવા માટે બોર મશીન ઓપરેટર સાથે બોર મશીન વડે બંધ પડેલ મોટર  કાઢવા ગયા હતા. બપોરે મોટર કાઢી મશીન ઓપરેટર ઘરે ગયા હતા જ્યારે ફરિયાદી અને તેમનો ભાઈ 1200 ફૂટનો કોપર કેબલ વાયર બોરની બાજુમાં રાખી મોટર રીપેર કરાવાવા ગયા હતા. ત્યારબાદ ફરી આશરે દોઢેક વાગ્યાના અરસામાં ફરિયાદી વાડીએ આવતા 1200 ફુટનો કેબલ વાયર જોવા મળ્યો ન હતો. જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોરીની ઘટના બપોરના સવા બારેક વાગ્યાથી દોઢેક વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે ચોર  વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.