ભુજમાં આશાપુરા માતાજીનાં મંદિરમાં ચોરી: ચોર દાનપેટીમા રહેલ રોકડા રૂપિયા 50,000ની ચોરી કરી ફરાર

ભુજમાં આવેલ આશાપુરા માતાજીનાં મંદિરમાં ચોરી થવાની ઘટના બનતા ભાવિ-ભકતોમાં રોષ ફેલાયો હતો. આસ્થાના પ્રતિક સમાન ભુજના મંદિરમાં ચોરીની આ ઘટના બની હતી. મંદિરના પરિક્રમા દરવાજાનો લોક તોળી મંદિર અંદર પ્રવેશી ચોર ચાર અલગ-અલગ દાનપેટીમા રહેલ રોકડ રકમ 50,000ની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ અંગે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં જનારધનભાઈ પ્રમોદચંદ્ર દવેએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભુજ મધ્યે આવેલ આશાપુરા માતાજીનાં મંદિરમાં તેમનો પરિવાર 80 વર્ષથી પૂજા કરે છે. તેમના પિતાજીના અવસાન બાદથી ફરિયાદી ઉપરોક્ત મંદિરમાં પૂજા કરે છે. અને તેઓ પોતાના પરિવાર સાથે મંદિરના પરિસર અંદર આવેલ મકાનમાં રહે છે.

ફરિયાદી તા.8-2ના રાત્રિના આશરે દસ વાગ્યાના અરસામાં માતાજીનું મંદિર બંધ કરી પરિસરમાં આવેલ મકાનમાં સુવા ગયા હતા. ફરિયાદી આજ રોજ સવારે આશરે સવા પાંચ વાગ્યે ઘરમાથી મંદિરના પરિક્રમા દરવાજા બાજુ જતાં દરવાજા પર લગાવેલ લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું. જેથી ફરિયાદીએ તેમના બંને પુત્રો સાથે મંદિરમાં જઈ તપાસ કરતાં મંદિરમાં રહેલ ચાર દાન પેટીઓના લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. જેથી દાનપેટીમા રહેલ રોકડ રકમ 50,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. મંદિરની અંદર આવેલ સીસીટીવી ફોટોઝ  ચેક કરતાં બે ચોર મંદિરની અંદર પ્રવેશ કરતાં નજરે પડ્યા હતા. આ ચોરીની ઘટના તા.8-2ના રાત્રિના 10 વાગ્યાથી બીજા દિવસે સવારે 5 વાગ્યા દરમિયાન બની હતી.પોલીસે 2 ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.