આદિપુરમાં બંધ ઘરનાં તાળાં તોડી રોકડ સહિત 6.43 લાખની ચોરી

આદિપુરના વોર્ડ 4/બીમાં પ્લોટ નંબર 188માં રહેતા અને સુભાષનગરમાં આવેલી આઈ.એચ.એ. લોજિસ્ટિક કંપનીમાં એકાઉન્ટ હેડ તરીકે કામ કરતા મહિલા માતા સાથે દાહોદ ગયા હતા. પાછળથી કોઈ અજાણ્યા ઈસમો તેમના બંધ મકાનનાં તાળાં તોડી રોકડ છ લાખ તથા દાગીના મળી કુલ રૂા. 6,43,000ની મતાની ચોરી કરી ગયા હતા. આદિપુર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગઈ તા. 7/2ના સવારના 10:45થી 8/2ના રાત્રિના 11:45 વાગ્યા દરમ્યાન આ બનાવ બન્યો હતો. ડિમ્પલબેન ગોપાલક્રિષ્ન જોનવાલના માતાના માસાનું અવસાન થતાં તેઓ બન્ને દાહોદ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સો બંધ મકાનમાં ઘૂસી ગયા હતા. તસ્કરો દરવાજાનું તાળું તોડી બેડરૂમમાં ધસી ગયા હતા અને લોખંડના કબાટનો દરવાજો તોડી અંદરથી કંપનીની રોકડ રૂા. 5.40 સહિત 6 લાખ તથા સોનાની વીંટી, ચાંદીના નાના-મોટા સિક્કા 8 એમ કુલ્લે રૂપિયા 6.43 લાખની મતાનો સફાયો કરી જવાયો હતો. તસ્કરોએ ઘરમાં રાખેલી સામગ્રી અસ્તવ્યસ્ત કરી નાખી હતી. મહિલા પરત ફરતાં બનાવની જાણ થઈ હતી. પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.