બરંદામા અગાઉ થયેલ ઝગડાનું મનદુખ રાખી યુવકને માર-મારતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

લખપતના બરંદામા અગાઉ થયેલ ઝગડાનું મનદુખ રાખી યુવકને માર-મરાયો હોવાની ફરિયાદ નારાયણ સરોવર પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે  ફરિયાદ નોંધાવતાં નવાજઅલી અબ્દ્રેમાન લુહારે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તે તા.9-2ના રાત્રે પોણા દશેક વાગ્યાના અરસામાં ગામની પંચાયતની બહાર બેસી મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. તે દરમિયાન તેમના ગામનો સિકંદર ખમુ પડેયાર ત્યાં આવેલ અને ફરિયાદી સાથે થયેલ પૂર્વ ઝગડાનું મનદુખ રાખી ફરિયાદી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના કહેતા આરોપી સિકંદર એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને છાતીના ભાગે તથા પગના ભાગે ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. ઉપરાંત આરોપીએ પોતાના હાથમાં રહેલ કુહાડી ફરિયાદીના ડાબા ખભા પર ઊંધી મારી હતી. આ દરમિયાન રાડારાડી થતાં ગામના લોકો આવી જતાં ફરિયાદીને વધુ મારથી છોડાવ્યો હતો. આરોપી સિકંદર જતાં જતાં ફરિયાદીને ધમકી આપી હતી કે, આજે તો  બચી ગયો પણ ક્યારેક એકલો મળીશ તો તને જાનથી મારી નાખીશ. ફરિયાદીને સારવાર અર્થે નલિયા સરકારી હોસ્પિટલ મધ્યે લઈ જવાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.