આશાપુરા મંદિર ચોરીના આરોપીઓ હજી સુધી પોલીસ પકડથી દૂર
ભુજમાં આવેલ આશાપુરા માતાજીના દેશદેવીના મંદિરમાં બે બુકાનીધારી શખ્સોએ મંદીરની ચાર દાનપેટીઓના તાળા તોડી રોકડ રૂપિયા 50 હજાર ઉઠાવી છુ થઇ ગયા હતા.ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પરંતુ બનાવના 24 કલાક બાદ પણ પોલીસ આરોપીઓ સુધી પહોચવામાં સફળ થઈ શકી નથી. આશાપુરા મંદિરમાં ચોરી કરી ચોરોએ જાણે પોલીસને પડકાર કર્યો હોય.
મંદિરમાં થયેલ ચોરીની ઘટનાને કારણે ભાવિભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. ગુરુવારે વહેલી સવારથી ચોરી કરનાર આરોપીઓને પકડવા પોલીસે તપાસ શરૂ કરી હતી.મંદિર પરિસરમાં લગાડેલ કેમેરા તપાસતા બે બુકાનીધારી ઈસમોએ બનાવને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.
આશાપુરા મંદિરમાં ચોરી કરનાર બે ચોરને પકડવા પોલીસે પગેરૂ તો લીધું પણ જાણે આરોપીઓ પોલીસથી એક ડગલું આગળ હોય તેવું લાગી રહ્યું છે. બનાવના બીજા દિવસે પણ પોલીસને કોઈ કડી મળી ન હતી.