ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે વરસાણા ચોકડી પાસે ટ્રેલર અને રીક્ષાનો અકસ્માત સર્જાતા રીક્ષા ચાલકનું મોત નીપજયું

ભચાઉથી ગાંધીધામ જતાં નેશનલ હાઈવે વરસાણા ચોકડી ઓવર બ્રીજ ઉપર ટ્રેલર રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નીપજયું હતું.

આ અંગે જયંતીભાઈ નામોરીભાઈ સુરાણીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ અકસ્માત તા.10-2ના ભચાઉથી ગાંધીધામ જતાં નેશનલ હાઈવે વરસાણા ચોકડી ઓવર બ્રીજ ઉપર સર્જાયો હતો. GJ-12-BT-5950ના ટ્રેલર ચાલકે પોતાના કબજાનું વાહન બેદરકારીથી ચલાવી અચાનક બ્રેક મારતા ફરયાદીના નાના ભાઈ ખુમાણભાઈની GJ-12-એક્સ-9086 રીક્ષા ટ્રેલરના પાછળના ભાગે ઘૂસી જતાં આ ઘટના બનવા પામી હતી. આ બનાવમાં ફરિયાદીના ભાઈને ઈજાઓ પહોચતા ગાંધીધામ રામબાગ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે ખુમાણભાઈને મૃત જાહેર કર્યા હતા. ભચાઉ પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.