ઉગેડી પાસે કાર ડિવાઈડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો: 3ના મોત

આ અકસ્માત અંગે પોલીસના સત્તાવાર સાધનોમાથી મળતી માહિતી અનુસાર આ અકસ્માત તા.11-2ના સર્જાયો હતો. ભુજ પાલારા જેલમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કૌશિકભાઈ પોતાના પરિવાર સાથે તેમની માલીકીની gj-12-FB-2771 ઈકો કાર દ્વારા માતાનામઢ દર્શનાર્થે જઇ રહેલા હતા. આ દરમિયાન ઉગેડી પાસેના પુલ પર પહોચતા તેમણે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં  ભરતભાઈ અમૃતભાઈ પરમારને પગના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. તેમજ સવિતા બેન બળદેવભાઈ પરમાર તથા ધનગૌરી બેન કૌશિકભાઈ પરમારને ગંભીર પ્રકારની ઈજાઓ પહોચતા તેમનું પણ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે અન્યને નાની મોટી ફ્રેકચર જેવી ઈજાઓ પહોચી હતી. જેમને સારવાર અર્થે નખત્રાણા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ રીફર કરાયા હતા.  નખત્રાણા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.