વરસામેડીમાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર વેંચી મારનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વરસામેડીમાં ખોટા આધારકાર્ડ તથા પાનકાર્ડ બનાવી બીજા વ્યક્તિના ફોટા લગાવી ખોટા દસ્તાવેજ બનાવી  બારોબાર વેંચી મારનારા ત્રણ શખ્સો સામે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ અંગે સવજીભાઈ ગોકરભાઈ મંજેરીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, અંજારના  વરસામેડીની સીમના સર્વે નં.343,352 પૈકી 1,352/પૈકી 2વાળીજમીન આવેલ છે. તા.6-2ના  ફરિયાદીને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવેલ અને તેમણે જણાવ્યુ હતું કે, તમારી ઉપરોક્ત જમીન કોઈએ વહેચી નાખેલ છે અને તે જમીનના દસ્તાવેજ પણ થઈ ગયેલ છે.જેથી ફરિયાદીએ પોતાના વેવાઈ ભવાનભાઈ જેરામભાઈ રાવરીયાને આ અંગે તપાસ કરવાનું કહેતા ઉપરોક્ત જમીનના ખોટા દસ્તાવેજ થયા હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી સવજીભાઈના ફોટોની જગ્યાએ અન્ય વ્યકિતના ફોટો સાથે બનાવટીના આધારાકાર્ડ અને પાનકાર્ડના આધારે ખોટા દસ્તાવેજો ઊભા કરીને ગત તા.24/1/2023ના દસ્તાવેજ નં.889/23ના આધારે તહોમતદાર રમેશે જમીનો પોતાનાં નામે કરાવી હતી. તેમજ દસ્તાવેજમાં અન્ય આરોપી ભરતકુમાર અને વિનોદકુમારે સાક્ષી તરીકે ખોટી સહી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અંજાર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.