નખત્રાણાના રહેણાક મકાનમાં પોલીસનો દરોડો: 93,200નો શરાબ જપ્ત
લોકલ ક્રાઇમ બ્રાન્ચે નખત્રાણાના રહેણાંક મકાનમાં દરોડો પાડી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વિરાણી ગામ તરફ જતાં રોડ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નખત્રાણામાં જે.પી. હોટલ સામે રાઠોડવાસમાં રહેતો ચંદનસિંહ ઉર્ફે ચદિયો જીવરાજસિંહ રાઠોડ રામેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડની સામે, શિવ સાઈ રેસિડેંસીમાં આવેલ મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી મંગાવી વેપલો કરે છે.પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા આરોપી પોલીસને જોઈ બાવળોની ઝાડીઓનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઘરમાં જઈ તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશીદારૂની 12 બોટલો કિ.રૂ.4,800 તથા બીયર ટીન નંગ 884 કિ.રૂ.88400 મળી કુલ કિ.રૂ. 93,200નો શરાબ મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.