ભુજના આશાપુરા મંદિરમાં ચોરી કરનાર ચોર પોલીસના સંકજામાં
ભુજના આશાપુરા મંદિરમાં મધરાત્રે ચાર દાનપેટીના તાળા તોડી અદાજે પચાસ હજાર રૂપિયાની ચોરી કરનારો રીઢા ચોરને અંતે પોલીસે ઝડપી પાડ્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસે નેત્રમ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે દાહોદના ધાનપુરના ૫૬ વર્ષીય રામસિંગ કાળુભાઈ પરમાર (ભીલ)ને પકડી પાડ્યો હતો. આની સાથે જ ભુજના અન્ય ત્રણ મંદિર અને અંજારના મંદિરની ચોરીનો ભેદ સોધી કઢાયા છે.
શહેરના આશાપુરા મંદિરમાં થયેલી ચોરી બાદ પોલીસે નેત્રમમાંથી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોર ચોરી કર્યા બાદ ક્યાં ગયા હતા તે તપાસ કરી હતી. તો રાતના અંધકારમાં કેમેરામાં કેદ થઈ ગયેલાં બેઉ આરોપીના ઝાંખા ફોટોને અન્ય એક ટીમે વધુ સ્પષ્ટ રીતે ડેવલોપ કરાવી તેના આધારે બેના સ્કેચ બનડાવી બાતમીદારો મારફતે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોએ કોડકી રોડ પર ઝૂંપડપટ્ટીમાં રહેતા રામસિંગને પોલીસે પકડી લીધો છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રામસિંગે મંદિરોમાં ફક્ત દાનપેટીને જ નિશાન બનાવી રોકડ ચોરતો હોવાનું કબૂલાત આપી છે.
શોધાયેલ ગુનાઓ:
- ૬ જૂલાઈ ૨૦૨૨ના રોજ ભુજજના લાલ ટેકરી વિસ્તારના જૈન મંદિરની દાનપેટીમાંથી થયેલી પાંચ હજારની રોકડની ચોરી,
- ૧૨ ઓગસ્ટના રોજ ભુજના છઠ્ઠી બારી રીંગરોડ પર વિશ્વેશ્વરી માતાના મંદિરની દાનપેટીમાંથી થયેલી ૧૦ હજારની ચોરી
- શાંતિનાથ જૈન દેરાસરમાં થયેલી ચોરીનો પ્રયાસ
- 25 ઓગસ્ટ ભુજની ગોસ્વામી સમાજવાડી પાછળ આવેલા શંકર મંદિરની દાનપેટીમાંથી થયેલી ર૦ હજારની ચોરી
- અંજારના ઘનસ્યામનગર પાસે આવેલા ખોડિયાર મંદિરમાંથી થયેલી ૨૫ હજારની રોકડની ચોરી મળે અન્ય ચાર મંદિરોમાં થયેલી ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા છે.
ચોરીમાં સંડોવાયેલ રામસિંગનો સાગરીત દિનેશ મંગા ભાભોર નાસી ગયો હતો. ભુજ એ-ડિવિઝન પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 5620 કબ્જે કરી આરોપીની સઘન પૂછતાછ હાથ ધરી છે.