આદિપુરમાં મકાનમાથી દાગીના તથા રોકડા રૂપિયા સહિત 3.25 લાખની તસ્કરી

આદિપુરમાં ચોરે મકાનની બારીની ગ્રીલ તોડી મકાનના કબાટમાં રહેલ સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી 3,25,000ની તસ્કરીને અંજામ આપી છૂમંતર થઈ ગયો હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં શની ઘનશ્યામભાઈ રામચંદાણીએ ફરિયાદમાં  જણાવ્યા અનુસાર તેઓ સાઘુવાસવાણીકુંજ વોર્ડ-6/બી આદિપુર મધ્યે રહે છે. તેઓ તા.24-2ના છ વાગ્યાના અરસામાં મકાનનો દરવાજો બંધ કરી ભારતનગર તેમના સસરાના ઘરે ગયેલ હતા. ત્યારબાદ બીજા દિવસે ફરિયાદી સવા ત્રણ વાગ્યે તેમની દીકરીને આદિપુર મધ્યે ટ્યુશન ક્લાસ મુકવા આવેલ હતા. તે દરમિયાન ઘરે આંટો મારવા ગયેલ ત્યારે મકાનના હોલની બારી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારબાદ ફરિયાદી તથા તેમના પત્નીએ મકાનમાં તપાસ કરતાં બેડરૂમના દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં નજરે પડ્યો હતો અને કબાટનો દરવાજો તૂટેલ હાલતમાં હતો. જેથી કબાટમાં તપાસ કરતાં કબાટમાં મુકેલ સોનાનું મંગળસૂત્ર કિ.રૂ.75000 તથા સોનાની બે બંગડી કિ.રૂ.60,000, સોનાની બુટ્ટી કિ.રૂ.10,000 તથા રોકડા રૂ.1,80,000 મળી કુલ કિ.રૂ.3.25,000ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોરીની ઘટના  24-2ના છ વાગ્યાથી તા.25-2ના સવા ત્રણ વાગ્યાના અરસામાં બની હતી. આદિપુર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.