સામખિયાળી પાસે ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં મહિલાનું તત્કાળ મોત
ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે ટ્રેક્ટરે બાઈકને હડફેટે લેતાં બાઈકસવાર વૃદ્ધા મઘીબેન અરજણભાઈ કોલીનું ગંભીર પ્રકારની ઈજાઓનાં કારણે તત્કાળ મોત નીપજ્યું હતું. જ્યારે બે બાળકી સહિત બે જણને ઈજાઓ પહોંચી હતી. સામખિયાળી પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ આંબલિયારા પાસે ગત તા. 26ના સવારે 10.20 વાગ્યાના અરસામાં બન્યો હતો. જી.જે. 12. સી.જી. 8774 નંબરના ટ્રેક્ટરના આરોપી ચાલકે પૂરઝડપે ટ્રેક્ટર ચલાવી બાઈકને પાછળથી ટક્કર મારી હતી. હતભાગી વૃદ્ધાના માથા અને શરીર ઉપર ટ્રેક્ટરનું ટાયર ફરી વળ્યું હતું. પતિ અને પૌત્રીની નજર સામે વૃદ્ધાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે ફરિયાદી અને પાંચ વર્ષીય પ્રજ્ઞાને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.