ચંદિયાની જમીન પચાવવા મૃત મહિલાનો ખોટો આધારકાર્ડ બનાવી દસ્તાવેજ થયા !

અંજાર તાલુકાના ચંદિયા ગામે આવેલી જમીન પચાવવા માટે મૃત્યુ પામનારાં મહિલાનો આધારકાર્ડ બનાવી, દસ્તાવેજ બનાવી લેવાની ચાર સામે ફરિયાદ નોંધાઇ હતી. અંજારમાં રહેતા યોગેશ હેમંત રાઠોડે વિમલ ગિરીશ હડિયા, પટેલ મગન લક્ષ્મણ, પટેલ મુકેશ મનુભાઇ, હંસાબેન એ. ટાંક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના દાદી લક્ષ્મીબેન વલમજી રાઠોડના પિતા માધવજી ગોવિંદજી મિત્રીના નામે ચંદિયા ગામની સીમ સર્વે નંબર 194 પૈકી 1વાળી જમીન હતી. માધવજી મિત્રીનું અવસાન થતાં આ જમીન તેમના પત્ની ભચીબેનના નામે 1961-62માં બંધ રેકર્ડથી થઇ હતી. આ દંપતિનું એક જ સંતાન ફરિયાદીના દાદી લક્ષ્મીબેન હતા, જે સીધી લીટીના વારસદાર ગણાય તેમ છે. બાદમાં આ લક્ષ્મીબેનનું પણ વર્ષ 2004માં અવસાન થયું હતું. ફરિયાદીના દાદીના માતા ભચીબેન હયાત હતા ત્યારથી ભરત વ્રજલાલ ચાવડાના પરિવારનો આ જમીન પર કબજો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ભચીબેન વર્ષ 1986માં અવસાન પામ્યા હોવા છતાં તેમને જીવિત બતાવી તેમના નામનું ખોટું આધારકાર્ડ બનાવી તે અંગેનો દસ્તાવેજ બનાવી તે વિમલ હડિયાને વેચાણ આપેલ હોવા અંગેનો બનાવી તેમાં અન્યોએ ખોટી સહી કરી દસ્તાવેજ બનાવી લેવામાં આવ્યો હતો. પોલીસ મથકે નોંધાયેલા આ પ્રકરણની આગળની તપાસ અંજાર પોલીસે હાથ ધરી છે.