પેથાપુર રાંધેજા રોડ ઉપર આવેલી જીવન વિકાસ કેન્દ્રમાં ગત રાત્રિના સમયે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી
સંકુલમાં આવેલી અલગ અલગ ઓફિસના તાળા તોડી અંદર મુકવામાં આવેલી 66 હજારની માલમત્તાની ચોરી કરી પલાયન થતા સીસીટીવીમાં કેદ થઇ હતી. આ બનાવની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
ઠંડી ઓછી થઇ ગઇ પરંતુ ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક ઓછો થયો નથી. પેથાપુરની સીમમાં આવેલી જીવન વિકાસ કેન્દ્ર સંસ્થામાં ગત મોડી રાત્રે એક સાથે 5 લોકોની ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. આજે સોમવારે સવારના સમયે સિસ્ટર વનિતાબેન ઓફિસ તરફ જતા તાળા તુટેલા જોવા મળતા હતા. જેને લઇને સંસ્થાના નિયામકને જાણ કરવામાં આવ્યા પછી પેથાપુર પોલીસને જાણ કરતા ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી.
જેમાં સંકુલમાં આવેલી સાબરમતિ સમૃદ્ધિ સેવા સંઘની બિલ્ડીંગમાં ભોયતળિયાની કચેરીમાં દરવાજાનો નકુચો તુટેલો જોવા મળ્યો હતો. ઓફિસમાં અંદર જઇને જોતા ટેબલના ડ્રોવર તોડી નાખેલા જોવા મળ્યા હતા. જ્યારે તિજોરીની ચાવી વડે ખોલી અંદર મુકવામાં આવેલા રોકડા 20 હજાર, કબાટમાં મુકેલો સામાન, ફાઇલો અસ્તવ્યસ્ત પડી હતી. જ્યારે બીજી વહિવટી ઓફિસના લોક પણ તુટેલા જોવા મળ્યા હતા.