વરસાણા પાસે કારનું ટાયર ફાટતાં કાર ટ્રેલર સાથે અથડાઈ: 2ના મોત

વરસાણા રામદેવ મંદિર નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારનું ટાયર અચાનક ફાટી જતાં કાર ચાલકે કાર પર કાબુ ગુમાવી દેતા આ અકસ્માત ની ઘટના સર્જાઈ હતી. જેમાં 2ના મોત નિપજ્યાં હતા.

આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ભરતભાઇ હિરજીભાઇ કનરે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તા.11-3ના તેમના સાળા અર્જુન પરબત વિગોરા તેમજ તેમના કાકાઈ ભાઈ પરેશભાઈ આયસર ગાડી ખરાબ થઈ જતાં સ્પેર પાર્ટ લેવા ફરિયાદીની GJ-12-FA-5486 ગાડી દ્વારા ભચાઉ ગયેલ હતા અને તે દરમિયાન ગાડી પરેશભાઈ ચલાવી રહ્યા હતા. આ બંને કામ પૂર્ણ કરી પરત આવી રહ્યા હતા ત્યારે વરસાણા પાસે કારનું પૈડું ફાટતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને આ કાર ડિવાઇડર કુદીને ગાંધીધામ બાજુથી ભચાઉ બાજુ જઇ રહેલા ટ્રેઇલર નંબર જી.જે. 12-BW-3578 સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં પરેશને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજયું હતું જ્યારે અર્જુનને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. વાહન ચાલક પરેશ વિરુદ્ધ ફરિયાદીએ પોલીસ મથકે ગુન્હો દાખલ કરાવ્યો હતો.