ગાંધીધામમાં બળાત્કારના કેસમાં રેલવે કર્મચારીને 10 વર્ષની સજાનો આદેશ

રેલવેમાં ફરજ બજાવતા કર્મચારીએ યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સાડા ચાર વર્ષ પહેલાંના આ ચર્ચાસ્પદ બનાવમાં ગાંધીધામ કોર્ટે આરોપીને તક્સીરવાન ઠેરવી 10 વર્ષની કેદની સજા તથા 55 હજારનો દંડ ફટકાર્યો હતો. બનાવની વિગત એવી છે કે, અહીંના રેલવે કોલોનીમાં રહેતા મનોજકુમાર મહાવિરસિંગ સ્વામીએ યુવતીને પોતાના રૂમમાં બોલાવી તેની સહમતી વગર બળજબરી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ અંગે કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તા.16-8-2018ના એ -ડિવિઝન પોલીસે બળાત્કાર, એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો દર્જ કરી આરોપીની અટક કરી લીધી હતી. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાતાં આ કેસ ચાલી ગયો હતો. જેમાં ફરિયાદ પક્ષ તરફથી 17 સાહેદો તપાસવામાં આવ્યા હતા. તેમજ 30 દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ કું. હિતેષી પી. ગઢવીની દલીલો સાંભળી એડિ. ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ (પોક્સો સ્પે.કોર્ટ) ગાંધીધામ દ્વારા આરોપીને તક્સીરવાન ઠેરવવામાં આવ્યો હતો અને 10 વર્ષની સખત કેદની સજા તેમજ જુદીજુદી કલમમાં કુલ્લે રૂપિયા 55 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ 18 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂા. 50 હજાર ચૂકવી આપવા આદેશ કર્યો હતો. મૂળ ફરિયાદી તરફે ધારાશાત્રી આર.કે. સિંગલ તથા રવીના શેખ, પ્રિયંકા રાઓ, આનંદ સિંગલ, અશોક ચાવલા વગેરે હાજર રહ્યા હતા.