મેઘપર બોરીચીના મકાનમાંથી 1.93 લાખની ચોરી

મેઘપર બોરીચીની ભાગ્યશ્રી સોસાયટી સર્વે નંબર 172 મકાન નંબર 16માં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા વિનોદ મીઠુ દેવીપૂજકે આ અંગે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે,  તેઓ પોતાના મામાના દીકરા સાથે વિથોણ મધ્યે  માતાજીનાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારે ગત રાત્રે ફરિયાદીના પત્ની, માતા અને દીકરી તેમના જૂના ઘરે સુંદરપુરી ગાંધીધામ ગયા હતા. ફરિયાદી અને તેમનો કૌટુંબિક ભાઇ ગત મોડી રાત્રે પાછા આવી ઘરને તાળાં મારી બાઇક લઇને પોતાના ભાઇ અનિલ દેવીપૂજકના ઘરે કૈલાસનગર ગયા હતા. જ્યાં આંગણાના ગેટની ચાવી આપી આ બંને સુંદરપુરી ગયા હતા.

આજે સવારે તેમના ભાઇ પોતાના સસરાના ઘર બાજુ જતાં આંગણાના ગેટને તાળું હતું, જ્યારે’ મુખ્ય દરવાજાનું તાળું ચાવી વડે ખોલેલું હોવાનું નજરે પડ્યું હતું. જેથી તેમણે પોતાના સસરાને ફોન કરી તેમના ઘરમાં ચોરી થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી પાછા ઘરે આવી જોતાં તેમના ઘરનો તમામ સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો  હતો. ફરિયાદીએ ઘરની ચાવી બારી પાસે મૂકી હતી. આ ચાવી વડે તાળું ખોલી ચોરોએ અંદર પ્રવેશી  અંદરની તિજોરીનાં તાળાં તોડી તેમાંથી રોકડા રૂા. 58,000 તથા અડધા તોલાનો હાથનો’ સોનાનો બાજુબંધ, એક તોલાનું સોનાનું કડું, 1 તોલાની 11 નંગ સોનાની બુટી, દોઢ તોલાની સોનાની ત્રણ ચેઇન, દોઢ તોલાની સોનાની વીંટી નંગ-બે, 200 ગ્રામનો’ ચાંદીનો કંદોરો, 100 ગ્રામ ચાંદીની પાયલ જોડી નંગ-11, 200 ગ્રામ ચાંદીના કડલા, બેન્ક ઓફ ઇન્ડિયાની પાસબુક તથા ઘરના તમામ સભ્યોના આધારકાર્ડ એમ કુલ રૂા. 1,93,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. અંજાર પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.