ભુજમાં ઇન્સ્ટન્ટ લોન લેવા ગયેલા યુવ પાસેથી રૂ. 14 લાખની ઠગાઈ

ભુજના સંસ્કારનગર પંચશીલ સોસાયટીમાં રહેતા એક યુવાને લોન માટે અલગ અલગ એપ્લિકેશન વડે લોન મેળવ્યા બાદ તેને રૂા. 14 લાખ ચૂકવવાની નોબત આવી પડી હતી. યુવાનને ગત વર્ષે કોલ્ડ ડ્રિંકસ અને આઇસક્રિમ પાર્લર શરૂ કરવા વિચાર આવ્યો હતો, જે માટે નાણાંની જરૂરિયાત હોતા તેણે ગૂગલ પ્લે સ્ટોર પર લોન એપ સર્ચ કરતા સ્મોલ ક્રેડીટ નામની ઇન્સ્ટન્ટ લોન એપ જોવા મળતા તેણે તે ડાઉનલોડ કરી તેમાં પોતાની તમામ માહિતી અપલોડ કરી  હતી તેની સાથે જ આ યુવાનના ખાતામાં રૂા. 1800 આવી ગયા હતા અને થોડા જ દિવસોમાં એક અજાણ્યા નંબર પરથી તેને ફોન આવ્યો હતો અને લોન ભરવાની તારીખ આવી ગઇ હોવાનું કહી લોન’ ન ભરી શકાય તેમ હોય તો સાત દિવસ માટે રોલ ઓવર કરી નાખો એટલે મુદ્દત વધી જશે તેવું જણાવાયું હતું. જેથી ફરિયાદીએ રૂા. 1225 ભરી નાણાં ભરવાની મુદ્દત વધારી નાખી હતી.

ત્યારબાદ યુવાનને વધુ રૂપિયાની જરૂરિયાત હોતા તેણે ગોલ્ડન રૂપીસ નામની એપ ડાઉનલોડ કરી તમામ માહિતી ભરી તેના ખાતામાં રૂા. 2200 મેળવી લીધા હતા, તેમાં પણ તેણે રોલ ઓવર કરાવી રૂા. 1771 ભર્યા હતા, પછી તેણે સ્વિફટ લોન એપ્લિકેશનથી રૂા. 1200 લીધા હતા અને જરૂરિયાત પ્રમાણે રૂપિયા ન મળતા રૂપી વે લોન, યશ કેશ, રામલોન એપ્લિકેશન ડાઉનલોડ કરી રૂા. 1800, રૂા. 1200 અને રૂા. 6000 મેળવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને નાણાંની ભરપાઇ કરવા માટે વિદેશના નંબર હોય તેવા નંબર પરથી ધાક ધમકી ભર્યા ફોન આવતા હતા. ભોગ બનનારા યુવાકે ગત તા. 16-7-2022થી 5-10-2022 દરમ્યાન આ શખ્સોને અલગ અલગ ખાતાઓમાંથી રૂા. 14 લાખ ચુકવી આપ્યા હતા. તેમ છતાં ધમકી ભર્યા ફોન ચાલુ રહ્યાં હતાં અને તેના એડિટ કરેલા ફોટા આ ભેજાબાજોએ સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કરી દીધા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.