ગાંધીધામમાં મુંબઈથી લવાયેલા શરાબ સાથે બે આરોપીઓ ઝડપાયા
સરહદી રેન્જ ભુજની સાયબર સેલની એક ટીમ આજે બપોરે શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બી.એમ. પેટ્રોલ પમ્પ પાસે સર્વિસ રોડ ઉપર કાર લઈને ઉભેલા શખ્સને મુંબઈનો એક શખ્સ દારૂ આપવા આવવાનો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી દારૂની હેરાફેરી કરતા બે શખ્સને પકડી આ શખ્સો પાસેથી રૂા. 26,150નો શરાબ જપ્ત કર્યો હતો.. અહીં બલેનો કાર નંબર જી.જે. 12 – ઈઈ-0761 ઊભી હતી, તેની પાસે બે શખ્સો ઊભા હતા. પોલીસે આ બંનેને પકડી પાડી વાહનની તલાશી લેવાતાં શરાબ મળી આવ્યો હતો. આ કારમાંથી રોયલ ચેલેન્જની 2 લિટરની ત્રણ, બેગ પાઈપરની 1 લિટરની 10 તથા શિવાસરીગલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની 750 એમ.એલ.ની એક એમ 14 બોટલ કિંમત રૂા. 26,150નો અંગ્રેજી શરાબ જપ્ત કરાયો હતો. પોલીસે મુંબઈના સુરેશ ઉર્ફે પપન કિશનચંદ હુનાસિંઘાની તથા શહેરના 400 કવાર્ટરમાં રહેતા દીપક ઉર્ફે દીપુ પરસોત્તમ હંસરાજાણીની અટકાયત કરી હતી.
ફોર સેલ ઈન મહારાષ્ટ્ર લખેલ આ માલ સુરેશ મહારાષ્ટ્રની ટ્રાવેલ્સની બસમાં લઈ આવ્યો હતો. ત્યાંથી અમદાવાદ અને બાદમાં ગાંધીધામ આવી દીપુને આ માલ આપ્યો હતો. આ શખ્સ તા. 30/3ના ટ્રેન દ્વારા પરત જવાનો હતો. આરોપી પાસેથી બે ટ્રાવેલ્સ તથા એક ટ્રેનની ટિકિટ પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે દારૂ, કાર, ટિકિટ, રોકડ રકમ વગેરે મળીને કુલ રૂા. 7,39,660નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.