કંડલા-મચ્છુનગર વચ્ચે ડમ્પરે બાઇકને હડફેટે લેતાં એકનું મોત

 કંડલાથી મચ્છુનગર તરફ આવતા માર્ગ ઉપર ડમ્પરે બાઇકને હડફેટમાં લેતાં બાઇકચાલક અફાકઅલી મહમદ કાસીમ પઠાણ (ઉ.વ. 32)નું મોત થયું હતું. જ્યારે તેમના પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગાંધીધામમાં એફ.સી.આઇ. કોલોની ઝૂંપડપટ્ટીમાં રહેતા અફાકઅલી અને તેમના પત્ની અંજુદેવીને ગત તા. 27-3ના અકસ્માત નડયો હતો. આ દંપતી કામ કરવા કંડલા ગયું હતું, ત્યાં કામ પતી જતાં બંને બાઇક નંબર જી.જે.-12-એ.જે.-9275 પર સવાર થઇને પરત આવી રહ્યાં હતાં. દરમ્યાન કંડલાથી મચ્છુનગર આવતા માર્ગે એસપીસી કંપની પાસે તેમને કાળ ભેટયો હતો. આ બાઇકને ડમ્પર નંબર જી.જે.-12-બી.એક્સ.- 7465એ હડફેટમાં લેતાં અફાકઅલીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં તેનું મોત થયું હતું. જ્યારે તેમના પત્નીને સ્થાનિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ડમ્પરચાલક વિરુદ્ધ મનોજકુમાર ઇંદ્રદેવ પ્રસાદે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.