અંજાર પાલિકા કચેરીને તાળા મારનારા પાંચ વિરુદ્ધ ફરિયાદ

અંજાર નગરપાલિકામાં આઠેક દિવસ અગાઉ મળેલી ખાસ સામાન્ય સભા બાદ પાંચેક લોકોએ પાલિકા કચેરીને તાળાબંધી કરી સરકારી કર્મીઓ અને અન્ય લોકોની અટકાયત કરી ફરજમાં રૂકાવટ કરતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજાર નગરપાલિકા કચેરી ખાતે ગત તા. 21/3ના ઢળતી બપોરે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના’ મુખ્ય અધિકારી તથા આ બનાવના ફરિયાદી પારસકુમાર હસમુખરાય મકવાણા,પાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ વગેરે હાજર’ હતા. આ બેઠક થોડીવાર બાદ પૂર્ણ થતાં ફરિયાદી પાસે એક અજાણ્યા શખ્સે આવીને પાલિકા કચેરીમાં અમુક શખ્સોએ તાળા બંધી કરી હોવાની વાત કરી હતી. મુખ્ય અધિકારીએ ઓફિસ સુપરિન્ટેન્ડેટ ખીમજી સિંધવને મોકલી હકીકત જાણવા કહ્યું હતું. દરમ્યાન પાલિકાના મુખ્ય દરવાજાને તાળું મારી પાંચેક શખ્સો ત્યાં ઊભા હોવાનું બહાર આવ્યું હતું. અને આ નાગરિકો વિરોધ દર્શાવતા હતા. શહેરના નાગરિક એવા આ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, નિયમો અનુસાર ધરણા કે તાળા બંધીની પરવાનગી મેળવ્યા વગર પાલિકા કચેરીને’ તાળા બંધી કરી હતી. તેમજ ફરિયાદી, અન્ય કર્મચારીઓ, પદાધિકારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી તેમની તથા અન્ય નાગરિકોની અટકાયત કરી હતી. આઠ દિવસ અગાઉ બનેલા આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.