નાની ચીરઇમાં થયેલી ડીઝલ ચોરીનો ભેદ ઉકેલાયો : એકની અટક કરાઇ
ભચાઉ તાલુકાનાં નાની ચીરઈ સીમમાં આવેલ જ્યોતિ ટ્રાન્સપોર્ટના વાડામાં પાર્ક કરેલી ટ્રકોમાંથી થયેલી ડીઝલની ચોરીનો ભેદ ઇકેલીને પોલીસે એક ઇસમની અટક કરી લીધી હતી. ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત વહેલી સવારના અરસામાં આ ઘટના બની હતી. તાલુકાના નાની ચીરઈ સીમમાં આવેલ જ્યોતિ ટ્રાન્સપોર્ટમાં કોઈ અજાણ્યા ત્રણ શખ્સો ત્રાટક્યા હતા. ત્યારબાદ વાડામાં પાર્ક કરેલી ચાર ટ્રકોમાંથી 1100 લિટર ડીઝલ, કિંમત રૂ. 73,700 ની ચોરી કરી શખ્સ ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ આજે ભચાઉ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અમુક શખ્સો ચોરીનો મુદામાલ બટિયા પુલ નજીક લતીફશાના વાડામાં વેચવા આવનાર હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી લતીફશા મુકીમશા શેખ, રહે. બટિયા વિસ્તારની ધરપકડ કરી લેવામાં આવી હતી. અને તેની કાર્યવાહી કરતાં ડીઝલ ભરેલ 19 કેરબા, કિંમત રૂ.44,555 નો મુદામાલ મળી આવ્યો હતો. જેથી પૂછપરછ હાથ ધરતા જ્યોતિ ટ્રાન્સપોર્ટમાંથી ડિઝલની ચોરી એક અજાણ્યો આરોપી આપી ગયાની કેફિયત આપી હતી, પરિણામે પોલીસે તે દિશામાં કાર્યવાહી આગળ વધારી હતી.