માનકુવાના યુવક સાથે 22 લાખની છેતરપિંડી આચરનાર 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

માનકૂવાના યુવકને દર મહિને ત્રણ ટકાના વળતર આપવાની લાલચ આપી કંપનીમાં ટુકડે ટુકડે રૂા. 25 લાખ નાણાં રોક્યા બાદ માત્ર ત્રણ લાખ જ પરત આપતા 22 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ માનકુવા પોલીસ મથકે નોંધાઈ છે.

માનકૂવામાં રહેતા અને એમ.ઇ.એસ.માં નોકરી કરતા ખીમજી ભાણજી માતંગે આદિપુરની મહિલા અને ગાંધીધામના શખ્સ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર 2019માં માનકૂવાની હોસ્પિટલમાં કામ કરતા કુંદનભાઇ મારૂ સાથે તેમનો પરિચય થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, `ઇનલાઇટેન વર્લ્ડ’ કંપનીના ડાયરેક્ટર વંદનાબેન અજમલભાઇ સોલંકી (રહે. આદિપુર) કે જેઓ અનુસૂચિત જાતિના વિકાસ માટે ટ્રસ્ટ ચલાવે છે. આ ટ્રસ્ટમાં રોકાણ કરવાથી આ રૂપિયા સમાજના વિકાસ માટે અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે વપરાય છે. રોકાણ કરનારના રૂપિયાનું રોકાણ રિયલ એસ્ટેટ તથા શેરબજારમાં કરી તેમાંથી કંપનીને થતા ફાયદામાંથી રોકાણ કરનારને દરમહિને ત્રણ ટકા વળતર પણ આપવામાં આવે છે અને તમને રોકાણ કરવાની ઇચ્છા હોય તો મુલાકાત કરાવી આપું. 2020માં ગાંધીધામમાં કુંદનભાઇએ વંદનાબેન તથા કંપનીના અમરભાઇ કાંતિલાલ મકવાણા (રહે. ગાંધીધામ) સાથે મુલાકાત કરાવી હતી. તેઓએ કંપની અંગે માહિતી આપી ફરિયાદીને વિશ્વાસમાં લેતા ફરિયાદીએ રોકાણ કરવા માટે સમતી દર્શાવી હતી. તે સમયે 11 લાખ કંપનીમાં રોકાણ કર્યું હતું અને બારેક માસ સુધી દરમહિને ત્રણ ટકા લેખે વળતર મળતું હતું. ત્યાર બાદ ફરિયાદીએ ટુકડે ટુકડે વધુ 14 લાખનું રોકાણ કર્યું હતું. આ રીતે ફરિયાદીએ કુલ રૂા. 25 લાખનું રોકાણ કર્યું હતું.  જેમાંથી ફરિયાદીને ત્રણ લાખ પરત મળ્યા હતા. વળતર પણ બંધ થઇ જતાં ફરિયાદીએ આરોપીઓ સાથે વાત કરતાં 45 દિવસમાં નાણાં મળી જશે તેવું જણાવ્યા બાદ નાણાં ન મળતાં ફરિયાદીએ ફરી આરોપીનો સંપર્ક સાધતાં સંતોષકારક ઉત્તર મળ્યો ન હતો. જેથી ફરિયાદીએ બંને વિરુદ્ધ  છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.